અમદાવાદ એરપોર્ટને મળશે નવો ATC ટાવર, દેશનો બીજો સૌથી ઊંચો ટાવર બનશે; જાણો તેની વિશેષતાઓ 

અમદાવાદ એરપોર્ટના નવા ATC ટાવર પર ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 09 May 2026 03:25 PM (IST)Updated: Sat, 09 May 2026 03:27 PM (IST)
ahmedabad-international-airport-new-atc-tower-second-tallest-in-india
HIGHLIGHTS
  • અમદાવાદ એરપોર્ટને મળશે નવો ATC ટાવર
  • દેશનો બીજો સૌથી ઊંચો ATC ટાવર બનશે

Ahmedabad SVPIA New ATC Tower: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર નવો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર બનાવવામાં આવશે, જેની ઊંચાઈ 93 મીટરથી વધુ હશે. આ નવો ટાવર કાર્યરત થતા જ તે ભારતનો બીજો સૌથી ઊંચો ATC ટાવર બની જશે.

મુંબઈ એરપોર્ટ ATC ટાવરનો રેકોર્ડ તૂટશે

અહેવાલો અનુસાર, હાલમાં દેશનો સૌથી ઊંચો ATC ટાવર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલો છે, જેની ઊંચાઈ 103 મીટર છે. જ્યારે અત્યાર સુધી મુંબઈ એરપોર્ટનો 84 મીટરનો ATC ટાવર દેશમાં બીજા ક્રમે હતો, પરંતુ હવે 93 મીટરથી વધુ ઊંચાઈ સાથે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો નવો ટાવર મુંબઈને પાછળ છોડી દેશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવિત ટાવર માટે જમીનની ફાળવણી અને ડિઝાઇન પ્લાનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે હાલની AAI ઓફિસની પાછળના ભાગમાં આવેલી જમીન પસંદ કરવામાં આવી છે.

ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળશે

આ નવા ATC ટાવરની માત્ર ઊંચાઈ જ નહીં, પરંતુ તેની અનોખી સાંસ્કૃતિક ડિઝાઇન પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત કન્સેપ્ટમાં આ ટાવરની ડિઝાઇન આકાશ તરફ પહોંચતા 'બંગડી પહેરેલા મહિલાના હાથ' જેવી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, ટાવરના પાયા (Base) ને ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને સ્થાનિક લોકપોશાક 'ઘાઘરા' ના આકારની કલ્પના સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

SVPI એરપોર્ટનો 2030 ડેવલપમેન્ટ પ્લાન

આ નવો અને અત્યાધુનિક ટાવર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વ્યાપક '2030 ડેવલપમેન્ટ પ્લાન' નો જ એક હિસ્સો છે. આ માસ્ટર પ્લાનમાં મુસાફરોની સતત વધતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે એક નવું ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવાની અને ટર્મિનલ-1 ને બંને બાજુએથી વિસ્તારવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.

એરપોર્ટના જૂના ATC ટાવરનું શું થશે?

એરપોર્ટ ઓપરેટર દ્વારા એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) ને જણાવ્યા મુજબ, વર્તમાન ATC બ્લોક અને ટાવર એ ભવિષ્યના ટર્મિનલ વિસ્તરણની જગ્યામાં આવતા હોવાથી તેને AAI કોલોની વિસ્તારમાં ખસેડવાનું આયોજન છે. એકવાર નવો ટાવર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય ત્યારબાદ જૂના ATC ટાવરને ડી-કમિશન કરવામાં આવશે, અને ભવિષ્યના ટર્મિનલના બાંધકામ માટે જગ્યા ખાલી કરવા તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે.