Ahmedabad Airport Customs E-Auction: ગેજેટ્સના શોખીનો માટે એક સારા સમાચાર છે. જો તમે પણ પ્રીમિયમ એપલ ડિવાઈસ સસ્તામાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કસ્ટમ વિભાગ દ્વારા આગામી 8 મેના રોજ જપ્ત કરાયેલી વસ્તુઓનું ઈ-ઓક્શન યોજાવા જઈ રહ્યું છે.
કઈ-કઈ વસ્તુઓની થશે હરાજી?
લગભગ એક દાયકામાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોજાઈ રહેલી આ હરાજીમાં 87 આઈફોન અને 27 લક્ઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે. આ ઓક્શનમાં આઈફોનના 11 થી લઈને 15 સિરીઝ સુધીના મોડલ્સ, એપલ વોચ સિરીઝ 6 અને અન્ય વિદેશી બ્રાન્ડની હાઈ-એન્ડ લક્ઝરી ઘડિયાળો ઉપલબ્ધ હશે.
ઈ-ઓક્શનમાં ભાગ લેવાની પ્રક્રિયા
એડિશનલ કમિશનર ઓફ કસ્ટમ્સ શ્રીરામ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, આ ઈ-ઓક્શન સંપૂર્ણપણે ઓનલાઈન યોજાશે, અને લોકોની જાણકારી માટે એરપોર્ટ પર વસ્તુઓનું જાહેર પ્રદર્શન પણ ગોઠવવામાં આવી રહ્યું છે.
- રસ ધરાવતા બોલી લગાવનારા મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ (MSTCL) પ્લેટફોર્મ દ્વારા ભાગ લેવાનો રહેશે.
- જે વ્યક્તિઓ કે સંસ્થાઓ અગાઉથી નોંધાયેલ છે, તેઓ સીધી ઓનલાઈન બોલી લગાવી શકશે. જ્યારે નવા વપરાશકર્તાઓએ હરાજી પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- તમામ જપ્ત કરાયેલી વસ્તુઓને અલગ-અલગ લોટમાં વહેંચવામાં આવી છે, અને હરાજીમાં ભાગ લેવા માટે અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) જમા કરાવવી ફરજિયાત છે.
આ પણ વાંચો: Ahmedabad: કોંગ્રેસી કોર્પોરેટર કલ્પના કોડેકર સામે પોલીસ ફરિયાદ, બોગસ LC રજૂ કર્યાનો આરોપ
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું સ્મગલિંગ નેટવર્ક
આ તમામ ગેજેટ્સ વર્ષ 2019 થી 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોના અને ડ્રગ્સ પછી હવે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સૌથી વધુ સ્મગલિંગ થતી વસ્તુ બની ગઈ છે.
દુબઈ, અબુધાબી અને શારજાહ જેવા સ્થળોએથી કસ્ટમ ડ્યુટી બચાવવાના ઇરાદે દાણચોરો મુસાફરો મારફતે એક સાથે અનેક પ્રીમિયમ સ્માર્ટફોન, સ્માર્ટ વોચ અને લેપટોપ લાવવાના સતત પ્રયાસો કરતા હોય છે, જેને કસ્ટમ વિભાગ દ્વારા નિષ્ફળ બનાવીને જપ્ત કરવામાં આવે છે.
