અમદાવાદમાં નવું આકર્ષણ, રિવરફ્રન્ટ બાયોડાઈવર્સિટી પાર્કમાં 15 ફૂટ ઊંચાઈએ બનશે 'સ્કાય વોક'

આ પ્રોજેક્ટ માટે ડિઝાઇન એજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 05 May 2026 10:19 AM (IST)Updated: Tue, 05 May 2026 10:19 AM (IST)
ahmedabad-sabarmati-riverfront-biodiversity-park-skywalk-project
HIGHLIGHTS
  • અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવું નજરાણું
  • બાયોડાઈવર્સિટી પાર્કમાં બનશે 15 ફૂટ ઊંચો સ્કાય વોક

Sabarmati Riverfront Skywalk: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા આવતા સહેલાણીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક આઇકોનિક પ્રોજેક્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે. બાયોડાયવર્સિટી પાર્કમાં રૂ. 5 કરોડના ખર્ચે ‘સ્કાય વોક’ બનશે, જે આગામી બે વર્ષમાં પૂરો થવાનો અંદાજ છે.

15 ફૂટ ઊંચાઈ પર સ્ટીલનો એલિવેટેડ પાથવે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાયોડાઈવર્સિટી પાર્કમાં રૂ. 5 કરોડના ખર્ચે હવામાં લટકતા ‘સ્કાય વોક’ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત બાયોડાઈવર્સિટી પાર્કમાં નિર્માણ પામનાર આ સ્કાય વોક જમીનથી 4.5 મીટર (અંદાજે 15 ફૂટ) ઊંચાઈ પર સ્ટીલનો એક વિશિષ્ટ એલિવેટેડ પાથવે હશે.

પક્ષીઓની નજરે કુદરતી નજારો માણી શકાશે

આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને પાર્કના કુદરતી નજારા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વગર તૈયાર કરવામાં આવશે. જ્યારે મુલાકાતીઓ આ સ્કાય વોક પર ચાલશે, ત્યારે તેઓ જમીન પર ચાલવાને બદલે 15 ફૂટની ઊંચાઈએથી ઘટાદાર વૃક્ષોની ટોચ અને નદીનો અદભુત નજારો માણી શકશે.

સ્કાય વોકની મુખ્ય સુવિધા અને આકર્ષણો

  • ફોટોગ્રાફી માટે ગેલેરી (વ્યુઈંગ ડેક): આ પાથવેની વચ્ચે ખાસ સ્ટેપ-આઉટ વ્યુઈંગ ડેક બનાવવામાં આવશે, જ્યાં ઊભા રહીને લોકો શાંતિથી બેસી શકશે અને ફોટોગ્રાફી કરી શકશે.
  • દિવ્યાંગો માટે ‘સ્પેશિયલ એક્સેસ’: આ સ્કાય વોક પર માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો પણ સરળતાથી જઈ શકે તે માટે સીડીની સાથે સાથે વ્હીલચેર ફ્રેન્ડલી રેમ્પ પણ ઉપલબ્ધ હશે.
  • હાઈ-ટેક સેફ્ટી વોક: ચોમાસાની ઋતુમાં મુલાકાતીઓ લપસી ન જાય તે માટે વોક-વે પર ખાસ પર્ફોરેટેડ એન્ટી-સ્કિડ ફ્લોરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષા હેતુથી ચોવીસ કલાક CCTV મોનિટરિંગની પણ વ્યવસ્થા રહેશે.

ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની સુવિધા

નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં પ્રકૃતિને નિહાળવા માટે સાપુતારામાં સ્કાય વોક-વ્યુ પોઈન્ટ્સ, ગબ્બર-અંબાજી ખાતે ખીણના ભાગે ડેક અને વોકવે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહાડો અને ડેમનો નજારો જોવા માટે એલિવેટેડ વ્યુઈંગ ગેલેરીની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ જ તર્જ પર અમદાવાદ શહેરમાં પણ નદી અને વૃક્ષોની વચ્ચેથી પ્રકૃતિને માણવા માટે આ અત્યાધુનિક સ્કાય વોક અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે નવું નજરાણું બની રહેશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે ડિઝાઇન એજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.