અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2, શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી નવો નજારો; 65% કામ પૂર્ણ, જાણો વિશેષતા

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 નું 65% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Mar 2026 11:32 AM (IST)Updated: Wed, 11 Mar 2026 11:32 AM (IST)
ahmedabad-sabarmati-riverfront-phase-2-from-shahibaug-to-indira-bridge
HIGHLIGHTS
  • સાબરમતી રિવરફ્રંટ ફેઝ-2 બનશે નઝરાણું
  • આ પ્રોજેક્ટનું 65% નિર્માણ કાર્ય પૂર્ણ થયું
  • શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી નવો નજારો

Ahmedabad Sabarmati Riverfront Phase-2: ગુજરાતની શાન અને અમદાવાદની વૈશ્વિક ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ હવે વધુ ભવ્ય બનવા જઈ રહ્યો છે. રિવરફ્રન્ટના ફેઝ-2 નું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કા તરફ છે, જે શહેરના પરિવહન અને પર્યટન ક્ષેત્રે ક્રાંતિ લાવશે.

નવો વિસ્તાર અને આધુનિક ટેકનોલોજી

સાબરમતી રિવરફ્રન્ટ હવે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિલોમીટરના નવા વિસ્તારમાં વિસ્તરવા જઈ રહ્યો છે. અંદાજિત ₹1,200 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટ ઉત્તર અમદાવાદના પરિવહન અને પર્યટનનું ચિત્ર બદલી નાખશે.

naidunia_image

'ઇન્ફ્લેટેબલ રબર ટેકનોલોજી'

સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 નું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ ભારતની આધુનિક 'ઇન્ફ્લેટેબલ રબર ટેકનોલોજી' થી સજ્જ બેરેજ-કમ-બ્રિજ હશે. શાહીબાગ દફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના આ પટ્ટામાં રબર બેરેજ ટેકનોલોજી દ્વારા પાણીનું સ્તર જાળવી રાખવામાં આવશે. તેની સાથે વાહનવ્યવહાર માટે એક નવો બ્રિજ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે.

65% કામગીરી પૂર્ણ, ત્રિસ્તરીય ગ્રીન ડિઝાઇન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું 65% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ નવા પ્રોજેક્ટની ડિઝાઇન ખૂબ જ આધુનિક છે. જે લોઅર, મિડલ અને અપર એમ ત્રણ સ્તરીય ડિઝાઇનમાં વહેંચાયેલો છે.

naidunia_image

પર્યાવરણની જાળવણી માટે 'મિડલ પ્રોમેનેડ'માં મોટા પાયે વૃક્ષારોપણ કરીને હરિયાળી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ડેવલપમેન્ટ સાથે, ઇન્દિરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના કુલ 11 કિલોમીટરના પટ્ટામાં નદીના બંને કિનારાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

કનેક્ટિવિટી અને મનોરંજનની ભેટ

આ પ્રોજેક્ટ માત્ર સુંદરતા જ નહીં, પરંતુ લોકોની સુવિધામાં પણ મોટો વધારો કરશે. આ નવા ફેઝથી નરોડા, હંસોલ અને શાહીબાગ તેમજ પશ્ચિમ ભાગના સાબરમતી, મોટેરા અને ચાંદખેડાના રહીશોને મનોરંજનનો નવો આધુનિક વિકલ્પ મળશે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મહત્વના સ્થળો સાથે કનેક્ટિવિટી વધશે.

naidunia_image

AMC ડે. મ્યુનિ. કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ઉત્તર અમદાવાદના પરિવહન અને પર્યટનનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખશે. પશ્ચિમ ભારતના સૌથી અદ્યતન રિવરફ્રન્ટ તરીકે ઉભરી રહેલો આ નવો ફેઝ આગામી સમયમાં અમદાવાદના શહેરી જીવન અને પરિવહનને એક નવી તેમજ પ્રગતિશીલ દિશા પૂરી પાડશે.