અમદાવાદમાં કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર બનશે 'ટેમ્પલ લિંક સર્કિટ પ્રોજેક્ટ': રુ. 155 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પરના મંદિરોનો કાયાકલ્પ થશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર રૂ.155.02 કરોડના ટેમ્પલ લિંક સર્કિટ પ્રોજેક્ટને મંજૂરી મળવાની તૈયારી છે. 35 પૌરાણિક મંદિરોનું નવીનીકરણ, જગન્નાથ પ્લાઝા, સપ્તઋષિ ચોક, હેરિટેજ ગેટ્સ અને મલ્ટીલેવલ પાર્કિંગ સહિત અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 22 Jul 2026 11:35 AM (IST)Updated: Wed, 22 Jul 2026 11:35 AM (IST)
ahmedabad-temple-link-circuit-project-riverfront-kashi-vishwanath-corridor-rs-155-crore

Ahmedabad Temple Link Circuit: અમદાવાદને વર્ષ 2017માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેવા અમદાવાદ શહેરમાં તેના ભવ્ય પૌરાણિક વારસાને જાળવી રાખવા માટે એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વારાણસીના પ્રખ્યાત કાશી વિશ્વનાથ કોરિડોરની પેટર્ન પર સાબરમતી નદીના કિનારે રુ.155.02 કરોડના ખર્ચે ટેમ્પલ લિંક સર્કિટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. આ મહત્વકાંક્ષી દરખાસ્ત ટૂંક સમયમાં જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે.

હાલ સાબરમતી નદી કિનારે આવેલા પ્રાચીન મંદિરો અને વિવિધ ઘાટ જર્જર અવસ્થામાં હોવાના કારણે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વારસાને પુનસજીવ કરવા માટે સમગ્ર યોજના ત્રણ તબક્કામાં પૂર્ણ કરવાની યોજના છે.

પ્રથમ તબક્કામાં શું થશે કામગીરી

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સપ્તઋષિના આરાથી શરુ કરીને પ્રસિદ્ધ જગન્નાથ મંદિર, વસંતચોક, ભદ્રનો કિલ્લો અને ગણેશ મંદિર સુધીના માર્ગને આપસમાં ઇન્ટરિલંક કરવામાં આવશે. સપ્તઋષિના આરાથી અટલ ઘાટ સુધીના 2 કિમી વિસ્તારમાં આવતા તમામ 35 ઉપ મંદિરોના જીર્ણોદ્વાર માટે રૂ. 20 કરોડનો ખર્ચ કરાશે, જગન્નાથ મંદિરથી સાબરમતી નદી સુધીના જલયાત્રાના વિશેષ માર્ગનો વિકાસ કરવામાં આવશે, સોમનાથ ભૂધરના આરા અને અટલ ઘાટ સામે નદીના તટમાં આવેલા પૌરાણિક મંદીરોની આસપાસ સુંદર મંદિર ચોકનો વિકાસ કરવામાં આવશે.

 ટેમ્પલ સર્કિટ ડેવલપમેન્ટ પ્લાનના મુખ્ય આકર્ષણો

  • જગન્નાથ પ્લાઝા: જગન્નાથ મંદિરની સામેના ભાગમાં ભવ્ય પ્લાઝા બનાવાશે
  • સપ્તઋષિ ચોક: સપ્તઋષિના આરા પાસે સપ્તઋષિઓની ભવ્ય મૂર્તિઓ અને સુંદર ચોકનું નિર્માણ કરાશે
  • હેરિટેજ ગેટ્સ: સાબરમતી નદીન કિનારે હેરિટેજ થીમ આધારિત કલાત્મતક ગેટનું નિર્માણ
  • પુનર્વસન યોજના: નદીના પૂર્વ કિનારે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના સ્થાનિકોને ઈડબલ્યુએસ આવાસમાં ખસેડાશે
  • 35 મંદિરોનો વિકાસ: 2 કિમીના રુટ પર આવતા તમામ 35 પૌરાણિક મંદિરોનું નવીનીકરણ કરાશે
  • ચોક અને ગાર્ડન: 10 મંદિર ચોક અને તેની આસપાસના હરિયાળા ગાર્ડનનો વિકાસ
  • પાર્કિંગની સુવિધા: દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની સુવિધા માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે.