Ahmedabad News: અમદાવાદ શહેરમાં નોકરીને મેળવવા ઇચ્છતા ઉમેદવારો પાસે પૈસા ઉઘરાવીને છેતરપિંડી કર્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે.શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC મોડેલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના બહાને ચાર જેટલા આરોપીઓએ ઉમેદવારો પાસેથી પૈસા લીધા હતા. જે મામલે એસીબીને ફરિયાદ નોંધાવતા એસીબીએ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
કરાર આધારિત નોકરીના નામે મોટું કૌભાંડ
મળતી માહિતી મુજબ, બાપુનગર સ્થિત ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં 11 મહિનાના કરાર પર નોકરી અપાવવાના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. જે અંગે એસીબીની હેલ્પલાઈન 1064 પર ખાનગી રાહે રજૂઆતો કરવામાં આવતી હતી. હોસ્પિટલ સાથે કોન્ટ્રાક્ટ ધરાવતી સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા.લિના ઓપરેશન મેનેજરો દ્વારા નોકરી અપાવવાના બહાને પૈસાની માગણી કરાઇ હતી.
એસીબીએ 4 આરોપીઓને ઝડપી લીધા
વિગત મળતા એસીબીએ વટવા જીઆઇડીસી સ્થિત મેટ્રિક્સ પ્લાઝા કોમ્પ્લેક્સમાં છટકું ગોઠવ્યું હતું. જ્યાં સિક્યુરિટી કંપનીની ઓફિસમાં ઉમેદવાર પાસેથી રુ.95 હજાર સ્વીકારતા દિલ્હીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં અન્ય કુલ 3 આરોપીઓ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
21 લાખથી વધુન રકમ કબ્જે કરાઈ
એસીબીએ ઓફિસમાં તપાસ કરતાં 2.29 લાખથી વધુની રકમ કબજે કરી હતી. ઉપરાંત જ્યાં બંને ઓપરેશન મેનેજર જે હોટેલમાં રોકાયા હતા. ત્યાં દરોડો પાડતાં તેમની પાસે રહેલી બેગમાંથી કુલ 19,29,900 જેટલી રકમ મળી હતી. એસીબીએ આ મામલે ઓપરેશન મેનેજર પંકજકુમાર મિશ્રા, પ્રમોદ પાંડે, રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી સામે કાર્યવાહી કરી હતી. તેમજ કુલ 21 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી હતી.
