AHMEDABAD AMTS BUS AI CAMERA: અમદાવાદ શહેરની જીવાદોરી સમાન ગણાતી એઅમટીએસ બસોના અકસ્માતો અટકાવવા અને ડ્રાઇવરો પર કડક મોનિટરિંગ રાખવા માટે એક વિશેષ પહેલની શરુઆત કરવામાં આવી છે. એએમટીએસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ડેશ કેમેરા સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હાલ ત્રણ બસોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે.
આર્ટિફિશિયલ ડેશ કેમેરા કેવી રીતે કામ કરશે
આ સિસ્ટમ અંતર્ગચ બસની ફ્રન્ટ સાઇડ અને ડ્રાઇવરની સામે વિશેષ કેમેરા લગાવવામાં આવ્યા છે.આ કેમેરા રસ્તા પર ટ્રાફિક અને ડ્રાઇવરની દરેક ગતિવિધિઓ પર સીધી નજર રાખશે. જો બસ તેની નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં વધું ઝડપથી દોડશે તો સિસ્ટમ આપમેળે ચેતવણી આપશે. ડ્રાઇવર બસ ચલાવતી વખતે ધૂમ્રપાન કરતા, મોબાઈલ પર વાત કરતા અથવા ચાલું ડ્રાઇવિંગે ઝોકાં ખાશે તો કંટ્રોલ રુમમાં રિયલ ટાઈમ એલર્ટ પહોંચશે. એઆઈ કેમેરો આગળ રોડની સ્થિત રેકોર્ડ કરશે, જો અકસ્માત થશે તો વાહનચાલક કે ડ્રાઈવરની ભૂલને સરળતાથી જાણી શકાશે.
પ્રાથમિક ધોરણે 3 બસોમાં ટ્રાયલ
હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ માત્ર 2 એએમટીએસ બસોમાં શરુ કરવામાં આવ્યો છે. જો આ ટ્રાયલ સફળ રહેશે. તો અમદાવાદ મનપા દ્વારા શહેરની તમામ 900થી વધારે એએમટીએસ બસોમાં આ એઆઈ મોનિટરિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવશે.
બસોની લેટ લતીફી અને લોકેશન પર વોચ
AMTS કમિટીના ચેરમેન પરાગ નાઇકના જણાવ્યા અનુસાર, બસના આગળના ભાગ પર લગાવેલા કેમેરા દ્વારા બસ પોતાના નક્કી કરેલા સમય મુજબ ચાલે છે કે નહીં તેની ચોક્કસ માહિતી મળશે. જો બસ ટ્રાફિક જામના લીધે મોડી હશે, તો તરત કંટ્રોલ રુમમાં જાણ થશે. તેમજ ઘણીવાર ડ્રાઇવરો બસ રસ્તામાં ઊભી રાખી દેતાં હોય છે. જેનાથી મુસાફરો હેરાનગતિ અનુભવતા હોય છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવરની કોઈ બેદરકારી જણાશે તો કંટ્રોલરુમમાં ફોન કોલ કે વાયરલેસ દ્વારા તરત જ સૂચના આપવામાં આવશે.
