Ahmedabad SG Highway Corridor: અમદાવાદના એસજી હાઈવે પર મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. એસજી હાઈવે પર સાણંદથી ઈસ્કોન જંક્શન સુધી ચાલી રહેલી એલિવેટેડ કોરિડોરની કામગીરી હવે પૂરી થવાના આરે છે. આગામી સમયમાં આ કોરિડોર શરૂ થવાથી શહેરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો જોવા મળશે.
1 જૂનથી ખુલશે સાણંદ-કર્ણાવતી ક્લબ ડાયવર્ઝન
આ પણ વાંચો
એલિવેટેડ કોરિડોરની કામગીરીને પગલે છેલ્લા 8 મહિનાથી YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ જતો રોડ વાહનો માટે બંધ કરીને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. વાહનચાલકોએ સાણંદ ચોકડીથી YMCA જંક્શનથી વળીને ઝવેરી સર્કલ થઈને એકથી દોઢ કિમી ફરીને જવું પડતું હતું.
પરંતુ, આગામી 1 જૂનથી એટલે કે એકાદ મહિનામાં જ સાણંદથી કર્ણાવતી ક્લબ સુધીનો આ ડાયવર્ઝન રોડ ખોલી દેવામાં આવશે. જેથી લોકોને ચાર કિમી જેટલું ફરવું નહીં પડે, અને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે નહીં.
1 જુલાઈથી થશે શરૂ 4 કિમીનો એલિવેટેડ કોરિડોર
રૂ. 500 કરોડના ખર્ચે માત્ર 24 મહિનામાં તૈયાર થયેલો 4.01 કિલોમીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર 1 જુલાઈથી વાહનો માટે સત્તાવાર રીતે શરૂ કરી દેવાશે. આ બ્રિજ શરૂ થવાથી રોજ અહીંથી પસાર થતાં આશરે 2 લાખ વાહનચાલકોને મોટી રાહત મળશે.
સાણંદ ફ્લાયઓવરથી ઇસ્કોન સીધા જનારા લોકો આ કોરિડોરનો ઉપયોગ કરી શકશે અને તેમણે YMCA, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જેવા ત્રણ વ્યસ્ત જંક્શન પર ઊભા રહેવું નહીં પડે, જેનાથી તેમની 10 મિનિટની બચત થશે.
વાહનચાલકો માટે ખાસ સૂચના!
હાલમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જંક્શન પર ચઢવા કે ઉતરવા માટેના રેમ્પ ચાલુ કરવામાં આવશે નહીં. તેથી, જે વાહનચાલકોએ કર્ણાવતી, પ્રહલાદનગર કે YMCA વિસ્તારમાં જવું છે, તેમણે 1 જૂનથી ખુલનારા નીચેના સર્વિસ રોડનો જ ઉપયોગ કરવાનો રહેશે.
જો કોઈ ચાલક ભૂલથી પ્રહલાદનગર જવા માટે બ્રિજ પર ચઢી જશે, તો તેમણે વચ્ચે ઉતરવાનો કોઈ વિકલ્પ ન હોવાથી છેક ઈસ્કોન જંક્શન સુધી જવું પડશે. ડાયવર્ઝન માટે મળેલી પોલીસ પરમિશન 31 મે સુધી જ હોવાથી, હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે.
