Ahmedabad SG Highway Signal Free: અમદાવાદના એસજી હાઈવે પર સરખેજથી ગાંધીનગર વચ્ચે 7 ઓવરબ્રિજ બન્યા બાદ હાઈવે તો સિગ્નલ ફ્રી થઈ ગયો છે. પરંતુ બ્રિજ નીચેના જંક્શનો પર ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ ટ્રાફિક પોલીસે જંક્શનોને સિગ્નલ ફ્રી કરવાનું નક્કી કર્યું છે.
પેલેડિયમ જંક્શનનો પ્રયોગ રહ્યો સફળ
આ પણ વાંચો
અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા પહેલો પ્રયોગ પેલેડિયમ મોલ ચાર રસ્તા પર કરવામાં આવ્યો હતો. અહીં 'કેપ્સ્યુલ ડિઝાઈન' પદ્ધતિથી બેરિકેડિંગ કરીને બંને બાજુ 100 મીટરના નવા કટ આપવામાં આવ્યા હતા. આ પ્રયોગ એટલો સફળ રહ્યો છે કે સવાર-સાંજ પીક-અવર્સમાં થતો ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની ગયો છે, અને વાહનો ગણતરીની સેકન્ડોમાં પસાર થઈ જાય છે.
3.5 લાખ વાહનચાલકોને મળશે રાહત
પેલેડિયમ જંક્શનની સફળતા બાદ હવે આ મોડલ કારગિલ ચાર રસ્તા અને વૈષ્ણોદેવી સર્કલ પર લાગુ કરવામાં આવશે. કારગિલ ચાર રસ્તા પર રોજના સરેરાશ 1.50 લાખ અને વૈષ્ણોદેવી સર્કલ પર 2 લાખ વાહનોની અવરજવર રહે છે. આ બંને જંક્શન પર કેપ્સ્યુલ ડિઝાઈનનો ઉપયોગ કરીને સિગ્નલ ફ્રી કરાશે, જેનાથી કુલ 3.5 લાખ વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે.
અમદાવાદ મ્યુનિ. કમિશનર, DGP અને અમદાવાદના ઈન્ચાર્જ CP એ આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે 4 દિવસ માટે કેપ્સ્યુલ ડિઝાઈનથી બેરિકેડિંગ કરીને ટ્રાફિક મૂવમેન્ટનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો તેને કાયમી ધોરણે લાગુ કરાશે અને કોઈ ત્રુટી જણાશે તો તેમાં સુધારો કરવામાં આવશે.

કેવી રીતે કામ કરે છે 'કેપ્સ્યુલ ડિઝાઈન'?
ટ્રાફિકને સરળ બનાવવા માટે કેપ્સ્યુલ ડિઝાઈન મુખ્યત્વે ત્રણ તબક્કામાં કામ કરે છે:
- ફિઝિકલ બેરિકેડિંગ
જંક્શનની મધ્યમાં કે વળાંક પર ખાલી જગ્યામાં બેરીકેડ કે કોન્ક્રીટ બ્લોક્સ ગોઠવીને કેપ્સ્યુલ જેવો આકાર બનાવવામાં આવે છે, જે વાહનોને પોતાની લેનમાં રહેવા મજબૂર કરે છે.
- કોન્ફ્લિક્ટ પોઈન્ટ્સમાં ઘટાડો
સામેથી આવતા વાહનોને સીધા જવાની મંજૂરી અપાય છે, જ્યારે વળાંક લેતા વાહનોએ કેપ્સ્યુલ આઈલેન્ડની ફરતેથી જવું પડે છે. આ વ્યવસ્થાથી વળાંક લેતા વાહનો સીધા જતા ટ્રાફિકમાં કોઈ અવરોધ ઈભો કરતા નથી.
- ઝડપનું નિયંત્રણ
આ ડિઝાઈન વાહનોને ચોક્કસ વળાંક લેવા માટે મજબૂર કરે છે, જેથી વાહનોની ગતિ આપોઆપ ધીમી પડે છે અને સુરક્ષિત રહે છે, સાથે જ ટ્રાફિક અટક્યા વિના સતત ચાલતો રહે છે.
