લ્યો બોલો! બાળકોને મોબાઈલની લત છોડાવવા વાલીઓનો નવો કીમિયો, ઘરમાં રાખ્યા બાઉન્સર

નિષ્ણાતો માને છે કે કોવિડ રોગચાળા પછી બાળકોના વર્તનમાં બદલાવ આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 03 May 2026 10:47 AM (IST)Updated: Sun, 03 May 2026 10:47 AM (IST)
gujarat-parents-hire-bouncers-to-keep-children-away-from-mobile-addiction
HIGHLIGHTS
  • વાલીઓએ ઘરમાં રાખ્યા બાઉન્સર! 
  • બાળકોની મોબાઈલ લત છોડાવવા

Mobile phone addiction: હાલના સમયમાં નાના બાળકો અને કિશોરોમાં ફોન અને સોશિયલ મીડિયાની લત એક અત્યંત ગંભીર સમસ્યા બની ગઈ છે. આ લતને કારણે બાળકોનો વ્યવહાર એટલો હિંસક બની ગયો છે કે માતા-પિતા હવે ઘરમાં પણ સુરક્ષા માટે બાઉન્સરોની મદદ લઈ રહ્યા છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરમાંથી આવા કિસ્સા સામે આવ્યા છે.

અમદાવાદ: 16 વર્ષની દીકરી માટે 4 બાઉન્સર 

અમદાવાદમાં 16 વર્ષની એક છોકરીના માતા-પિતાએ પોતાની દીકરીની 24x7 કલાક દેખરેખ રાખવા માટે બે શિફ્ટમાં કુલ ચાર બાઉન્સર તૈનાત કર્યા છે. આ સુરક્ષા વ્યવસ્થા પાછળ પરિવાર દર મહિને અંદાજે 65,000 રૂપિયા ખર્ચ કરી રહ્યો છે.

મનોચિકિત્સક ડો. મૃગેશ વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ છોકરી એક ફોટો-શેરિંગ પ્લેટફોર્મની એટલી બધી આદત થઈ ગઈ હતી કે તે અજાણ્યા લોકો સાથે વાત કરતી અને ઓનલાઈન મિત્રોને મળવા ઘર છોડીને ભાગવા લાગી હતી. જ્યારે વાલીઓએ તેનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે એપાર્ટમેન્ટની નીચે ટીવી અને માઈક્રોવેવ ફેંકી દીધા અને પોતાની જ માતા પર હુમલો કર્યો હતો. ડૉ. વૈષ્ણવે જણાવ્યું કે, હવે દવાઓની સાથે તેમના પર કડક નિયંત્રણ રાખવું મજબૂરી બની ગઈ છે.

સુરત: ગેમિંગની લત ધરાવતા છોકરા માટે 8 બાઉન્સર

સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 17 વર્ષીય એક છોકરાને ગેમિંગની ભારે લત હતી. પિતાના ઠપકા બાદ, ગુસ્સામાં તેણે પિતાના પ્રિય પાલતુ કૂતરાને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. 

ફોર્સ 11 સિક્યુરિટી કંપનીના પ્રમુખ નિખિલ પાંડેએ જણાવ્યું કે, આ પાલતુ કૂતરાની સુરક્ષા માટે નવ મહિના સુધી બે શિફ્ટમાં આઠ બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે હવે આ એક નવી માંગ ઉભી થઈ છે, અને તેઓ સ્ટાફને બાળકો સાથે સંવેદનશીલતાથી વર્તવાની તાલીમ પણ આપે છે. આ માટે 8 કલાકની શિફ્ટના એક બાઉન્સરનો ખર્ચ દૈનિક 1,500 રૂપિયા આવે છે.

રાજકોટ અને વડોદરામાં બાળકો પર 'સિક્રેટ વોચ' 

રાજકોટ અને વડોદરામાં પણ સિક્યોરિટી એજન્સીઓની માંગ વધી રહી છે. ઘણા કિસ્સાઓમાં, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને પૈસાદાર પરિવારો તેમના બાળકોને નશીલા પદાર્થો અને ડ્રગ્સના તસ્કરોથી દૂર રાખવા બાઉન્સર રાખી રહ્યા છે.

રાજકોટની રામ સિક્યુરિટી એજન્સીના કેયુર ઉનડકટના જણાવ્યા અનુસાર, ઘણા રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ પોતાના બાળકોને રસ્તા પરની લડાઈ, દારૂ અને હનીટ્રેપ જેવા જોખમોથી બચાવવા બાઉન્સરની મદદ લે છે. ઘણીવાર આ દેખરેખ એટલી ગુપ્ત હોય છે કે બાળકોને ખબર પણ પડતી નથી કે તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

કોવિડ પછી બગડેલી સ્થિતિ અને હિંસક વર્તન 

માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે કોવિડ રોગચાળા પછી બાળકોના વર્તનમાં આ પ્રકારની સમસ્યા ઝડપથી વધી છે. અભ્યાસ માટે નાની ઉંમરમાં સ્માર્ટફોન મળવાથી બાળકો તેના વ્યસની બની ગયા છે, અને ઘણા કિશોરોની લત છોડાવવા માટે તેમને એકથી ચાર મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. અભયમ હેલ્પલાઈનના ડેટા મુજબ, ફોન છીનવી લેવા પર પોતાને નુકસાન પહોંચાડવા અથવા માતા-પિતા પર હુમલો કરવાના કિસ્સામાં ભારે વધારો જોવા મળ્યો છે.