Ahmedabad News: સોશિયલ મીડિયાના યુગમાં સાઈબર ગઠિયાઓ અલગ અલગ પેંતરા કરીને લોકોના એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર પૈસા ઉઠાવી લે છે. ત્યારે વોટ્સઅપ, લિંક, કે APK ફાઈલના માધ્યમથી ગઠિયાઓ ભોળા લોકોના બેન્ક બેલેન્સ ખાલી કરી નાખતા હોય છે, આવો જ ચોંકાવનારો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં વૃદ્ધે FDની રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઈન બેન્કનો સંપર્ક કરતા ઠગોએ છેતરપિંડી આચરી હતી.
ગઠિયાઓએ APK ફાઈલ મોકલી
મળતી વિગતો મુજબ, અમદવાદના વટવામાં એક 65 વર્ષીય વૃદ્ધને દિકરીની સગાઈ કરવાની હતી. જેથી તેમણે પોતાના જીવનની મૂડી FDની રકમ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની હતી. તેથી તેમણે ઓનલાઈન માધ્યમથી બેન્કનો નંબર મેળવી લીધો હતો. અને બેન્કમાં સંપર્ક સાધ્યો હતો. પરંતુ વૃદ્ધ ઠગોની જાળમાં ફસાઈ ગયા હતા. ઠગોએ બેંકના અધિકારી હોવાનું જણાવ્યું હતું. વાતચીત દરમિયાન ઠગોએ વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા અને એપીકે ફાઈલ મોકલી હતી.
વૃદ્ધની FD માંથી 8.50 લાખની ઉઠાંતરી
વૃદ્ધે જેવી એપીકે ફાઈલ ડાઉનલોડ કરી ત્યાં આરોપીઓ પાસે વૃદ્ધનાં એકાઉન્ટનું એક્સેસ પહોંચી ગયું હતું. આરોપીઓએ વૃદ્ધના એકાઉન્ટનો પાસવર્ડ જાણીને વૃદ્ધને ખબર ન પડે તેમ કુલ 2-2 લાખના ચાર ટ્રાન્ઝેક્શન કરીને 8.50 લાખ રુપિયાની ઉઠાંતરી કરી લીધી હતી. વૃદ્ધને આ વાતની જાણ થતા જ તેમણે વિલંબ કર્યા વગર જ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઈબર ક્રાઈમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
