અમદાવાદ: ડ્રગ કેસના આરોપી જાવેદ અન્સારી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી

આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 06:34 PM (IST)Updated: Mon, 26 Oct 2026 06:35 PM (IST)
ahmedabad-crime-branch-fires-on-drug-case-accused-during-escape-attempt

Ahmedabad Crime News: ગુજરાતના ચર્ચિત 25 કરોડના ડ્રગ્સ અને હેરોઈન કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી પર પોલીસ ટીમે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આરોપી અગાઉથી જ ડ્રગ્સ કેસમાં સજા પર હતો અને પેરોલ પર બહાર આવ્યો હતો. તાજેતરમાં જ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને રાજકોટ જતા સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI વી.બી. આલ અને તેમની ટીમ કેસના આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી. ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પગમાં ગોળી મારી હતી.

આ સમગ્ર મામલાની વિગત અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચ DCP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે વર્ષોથી ડ્રગ્સ કેસમાં જેલમાં કેદ અને પેરોલ પર છૂટેલો કફીલ અહેમદ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ થઈને રાજકોટ જઈ રહ્યો છે. બાતમીના આધારે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ JCP શરદ સિંઘલ અને DCP અજીત રાજીયનની બેઠક બાદ ક્રાઈમ બ્રાન્ચના PI પી.એમ. ધાકડા અને વી.બી. આલની બે ટીમો તૈયાર કરવામાં આવી હતી.

આ ઓપરેશનમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના PI એસ.એન. પરમાર પણ પોતાની ટીમ સાથે જોડાયા હતા. દરમિયાન 20 ઓક્ટોબરના રોજ સાંજે 7:00 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની 3 ટીમો અલગ-અલગ 6 ગાડીમાં CTM એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે ગોઠવાઈ ગઈ હતી. આ ટીમોના PI અને જવાનો 200-200 ફૂટના અંતરે વોચમાં ગોઠવાયા હતા.

રાત્રે આશરે 8:45 વાગ્યાના સુમારે દિલ્હી પાસિંગની કાળા રંગની XUV કાર આવતા પોલીસે તેને રોકી લીધી હતી. આ દરોડા દરમિયાન કારમાંથી 25.71 કરોડ રૂપિયાનું હેરોઈન અને MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી દિલ્હીના 3 ડ્રગ્સ સપ્લાયરો કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.