Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક ફેક્ટરી માલિક સાથે આઈટી કંપનીમાં રોકાણના નામે જીમ સંચાલકે છેતરપિંડી આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.વસ્ત્રાલના રહેવાસી અને બાકરોલમાં ફેક્ટરી ધરાવતા વેપારી તેજસ પટેલે આરોપી જીમ સંચાલક અને તેના ભાઈ સામે ક્રાઈમ બ્રાન્ચમાં 1.7 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, ફરિયાદી વસ્ત્રાલમાં આવેલા જીમમાં કસરત કરવા માટે જતા હતા. જીમમાં કસરત કરવા આવતા હોવાથી ફરિયાદીની મુલાકાત જીમ માલિક મયૂર રાજપૂત અને તેના ભાઈ માધવ રાજપૂત સાથે થઈ હતી. આ દરમિયાન આરોપી જીમ સંચાલકનો ભાઈ દુબઈથી આવ્યો હોવાથી આઈટી પ્રોજેક્ટમાં રોકાણના નામે મોટો ફાયદો થશે તેવી લાલચ ફરિયાદીને આપી હતી.
શિક્ષણ વિભાગનું કામ અપાવવાની લાલચ
આરોપી માધવ રાજપૂતે ફરિયાદીને લાલચ આપી કે, તેઓ આ પ્રોજેકટમાં રુ. 3 કરોડનું રોકાણ કરે અને કંપનીની નેટવર્થ ટૂંકાગાળામાં જ રુ.140 કરોડ થઈ જશે.તેમજ ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે વસ્ત્રાલ ખાતે આવેલી ઓફિસે લઈ જઈને દુબઈમાં 42 પ્રોજેક્ટ્સ બતાવ્યા હતા. તેમજ ફરિયાદીને શિક્ષણ વિભાગ અને સ્વર્ણિમ યુનિવર્સિટીનું કામ કમિશન એજન્ટ તરીકે અપાવવાની વાત કરી હતી.
વેપારી પાસે 1 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું
આરોપીઓ વેપારીને ઝાંસામાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટી પાછળ આવેલી આઈ હબ ઓફિસ ઓફિસે લઈ ગયા હતા. તેમજ શિક્ષણ વિભાગના અધિક સચિવ સાથેના ફોટો બતાવીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓની જાળમાં ફસાયેલા વેપારીએ રુ.58 લાખ અને પોતાના મિત્ર પાસેથી રુ.49.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે વેપારીએ આ અંગે તપાસ કરી તો જાણકારી મળી કે, દુબઈ બેઝ્ડ પ્રોજેક્ટનું સરકાર સાથે કોઈ કામ ચાલતું નથી. એઆઈ પ્રોફાઈલ બતાવીને લોકોને ઠગવામાં આવે છે.
આરોપીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
જ્યારે વેપારીએ જીમ સંચાલક અને તેના ભાઈ પાસે પૈસા પાછા માંગ્યા તો આરોપીઓ પૈસા પાછા આપવામાં આનાકાની કરવા લાગ્યા હતા. જેથી ફરિયાદી વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં જીમ સંચાલક અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
