DRI Gold Smuggling Case: ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈ દ્વારા ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી દેશભરમાં ચાલતા સોનાની દાણચોરીના એક મોટા સંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન રૂ. 10.37 કરોડની કિંમતનું 6.61 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કરી અમદાવાદના બે સોની સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન 'બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ કાર્યવાહી
DRI દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' નામનું વિશેષ કોડ-નેમ ધરાવતું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ અને આસામ ખાતેની ભારત-બાંગ્લાદેશ સરહદ મારફતે વિદેશી મૂળના સોનાની ગેરકાયદેસર દાણચોરી કરવામાં આવતી હતી. આ સોનું કુરિયર નેટવર્ક દ્વારા દેશના વિવિધ ભાગોમાં પહોંચાડાયું હતું.
DRI અધિકારીઓ દ્વારા અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી સહિતના પાંચ મુખ્ય સ્થળો પર એક સાથે સઘન શોધખોળ, દરોડા અને ઈન્ટરસેપ્શન હાથ ધરવામાં આવ્યા હતા. પાંચ શહેરોમાં હાથ ધરાયેલી દરોડા દરમિયાન DRIએ લગભગ 6.61 કિલોગ્રાામ વિદેશી સોનું કબજે કર્યું છે. જપ્ત કરવામાં આવેલા આ સોનાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 10.37 કરોડ જેટલી થાય છે.
318 કિલો સોનું અને રૂ. 475 કરોડનું કૌભાંડ
તપાસમાં સામે આવ્યું છે કે આ સંગઠિત સિન્ડીકેટે છેલ્લા નવ મહિના દરમિયાન સમગ્ર ભારતમાં ફેલાયેલા કુરિયર નેટવર્ક દ્વારા વિદેશી મૂળનું આશરે 318 કિલો સોનું, જેની અંદાજિત કિંમત રૂ. 475 કરોડ થાય છે, ખસેડ્યું અને વિતરણ કર્યું હતું.
ગુવાહાટી અને કોલકાતાથી નાના કુરિયર કન્સાઈન્મેન્ટ દ્વારા સોનું મુંબઈ, દિલ્હી અને અમદાવાદના સ્થાનિક બજારમાં નિકાલ માટે જરૂરી દસ્તાવેજો વિના મોકલવામાં આવતું હતું. આ ઉપરાંત, BVCના સત્તાવાર રેકોર્ડના આધારે છેલ્લા 6-7 મહિના દરમિયાન 169 કિલોથી વધુ દાણચોરીનું સોનું મોકલવામાં આવ્યું હોવાની હકીકત પણ સામે આવી છે.
અમદાવાદના બે સોની સહિત 11 ની ધરપકડ
DRIએ કસ્ટમ્સ એક્ટની કલમ 104 અને 135 હેઠળ 11 થી વધુ આરોપીની ધરપકડ કરી છે. આ સિન્ડિકેટ ચલાવવામાં ગુવાહાટી અને કોલકાતાથી રેકેટ ઓપરેટ કરનાર અમોલ કદમ નામના શખ્સની મુખ્ય ભૂમિકા ખુલી છે. આ સિવાય, મુંબઈમાંથી કન્સાઈન્મેન્ટ ડિસ્પેચ અને ડિલિવરીનું સંકલન કરનાર મુખ્ય માસ્ટરમાઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના બે સોની, 29 વર્ષીય અક્ષિત ચંદ્રેશભાઈ સોની અને 45 વર્ષીય પ્રકાશ મનુભાઈ સોનીનો સમાવેશ થાય છે. DRI અધિકારીઓએ ગુવાહાટી અને કોલકાતાથી મોકલાયેલા લાઈવ કુરિયર કન્સાઈન્મેન્ટ અટકાવીને દાણચોરીનું સોનું સ્વીકારનાર સાત લોકોની પણ સ્થળ પરથી ધરપકડ કરી હતી.
