અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું કરોડોનું ડ્રગ્સ? એરપોર્ટ પર યુગાન્ડાના નાગરિકની ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી કતાર એરવેઝની ફ્લાઈટમાંથી આવેલ યુગાન્ડાના નાગરિક પાસેથી 981 ગ્રામ હાઈ ક્વોલિટી કોકેઈન ઝડપાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 03:39 PM (IST)Updated: Fri, 25 Sep 2026 03:39 PM (IST)
ahmedabad-airport-cocaine-smuggling-uganda-citizen-arrested-dri-operation

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર ડ્રગ્સ,કોકેન અને કિમતી વસ્તુઓની તસ્કરી કસ્ટમ વિભાગ દ્વારા અવારનવાર ઝડપી લેવામાં આવતી હોય છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી ડ્રગ્સ તસ્કરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમને મોટી સફળતા સાંપડી છે. ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી ગુપ્ત માહિતીને આધારે કતાર એરવેઝથી અમદાવાદ આવનારા યુગાન્ડાના નાગરિક પાસેથી 981 ગ્રામ હાઇ ક્વોલિટીનું કોકેઇન ઝડપી લીધું છે.

કેવી રીતે ઝડપાયો આરોપી?

મળતી માહિતી પ્રમાણે, આરોપી યુગાન્ડાનો નાગરિક કતાર એરવેઝની ફ્લાઈટ QR543 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. વિદેશી નાગરિક પાસે કોકેઈન છુપાયેલું છે, તે અંગે ડીઆરઆઈના અધિકારીઓને સચોટ બાતમી મળી ચૂકી હતી. જે બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. તેમજ જેવો જ પેસેન્જર ફ્લાઈટમાંથી નીચે ઉતર્યો તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

ક્યાં છુપાવ્યું હતું કોકેઈન?

યુગાન્ડાના નાગરિકની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે તેની પાસે કોઈ નશીલી વસ્તુ હોવાનો સ્પષ્ટ રીતે ઈન્કાર કર્યો હતો. પરંતુ તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેના સામાનની બારીકાઈથી તપાસ કરી હતી. આ તપાસમાં ડ્રગ્સ સ્મલિંગની અનોખી પદ્ધતિ સામે આવી હતી. આરોપીએ ટ્રોલી બેગમાં ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટીકના સપોર્ટ પાર્ટ્સની અંદર પ્લાસ્ટિક બેગમાં સફેદ પાઉડર સંતાડ્યો હતો.

FSL દ્વારા શંકાસ્પદ વસ્તુનું ટેસ્ટિંગ

DRIની ટીમે બેગના વિવિધ પાર્ટ્સ ખોલી નાખીને તપાસ કરતાં ₹4.81 કરોડની કિંમતનું 981 ગ્રામ શંકાસ્પદ પાઉડર મળ્યો હતો. જેનું FSL દ્વારા પરીક્ષણ કરવામાં આવતા હાઈક્વોલિટી શુદ્ધ કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ડીઆરઆઈ દ્વારા આરોપી પાસે રહેલો કોકેઈનનો જથ્થો NDPS એક્ટ 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યો. તેમજ કોકેઈન છુપાવીને લાવનારા વિદેશી નાગરિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ કોકેઈન કોને આપવાનું છે તે દિશામાં તપાસ શરુ કરાઈ છે.