Kalpana Kodekar Fake LC Case: અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી વિજેતા થયેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકર (નવલેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બોગસ લિવિંગ સર્ટિફિકેટ (LC) નો સાચા તરીકે ઉપયોગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અરજીના આધારે DEO દ્વારા તપાસનો ધમધમાટ
સમગ્ર મામલાની શરૂઆત ચિરાગ શાહ નામના અરજદારની ફરિયાદથી થઈ હતી. તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને (DEO) અરજી આપીને આક્ષેપ કર્યો હતો કે, કલ્પનાબેન સુરેશભાઈ નવલેકરનું (કોડેકર) સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ ખોટું છે. આ અરજીને પગલે DEO દ્વારા સ્કૂલને પત્ર લખીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
ખરાઈ કરતા સામે આવી ચોંકાવનારી વિગતો
જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં જાણવા મળ્યું કે, કલ્પનાબેને અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ સાથે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આ સર્ટિફિકેટના GR નંબર અને LC નંબરની સ્કૂલના રજીસ્ટરમાં તપાસ કરવામાં આવી, ત્યારે GR નંબરમાં 'ચાવડા હસમુખભાઈ' અને LC માં 'સોની અંકિતભાઈ' નું નામ લખેલું હોવાનું ધ્યાને આવ્યું હતું.
વધુમાં, કલ્પનાબેન નવલેકરના શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રમાં શાળામાં દાખલ થયાની તારીખ 27 જૂન, 1988 દર્શાવવામાં આવી છે. પરંતુ, શાળાના GR માં આ તારીખે કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવી નથી અને કલ્પનાબેન કોડેકરની સ્કૂલમાં ક્યાંય કોઈ નોંધ જોવા મળી નથી.
આ પણ વાંચો: Ahmedabad: ઈન્સ્ટાગ્રામ પર 'કિન્નર ગુરુમા' બનીને 1500 મહિલાઓને છેતરી, રૂ. 60 લાખ પડાવ્યા
મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ
શાળામાં અભ્યાસ ન કર્યો હોવા છતાં સ્કૂલના નામનું બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવી તેને સાચા તરીકે રજૂ કરવાના આ મામલે DEO દ્વારા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીને જાણ કરવામાં આવી હતી. જેને પગલે મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કલ્પના કોડેકર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'સર્ટિફિકેટ સાચું છે, પુરાવા આપીશ': કલ્પના કોડેકર
મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકરે પોતાની સામે થયેલા આક્ષેપો ફગાવ્યા છે. વધુમાં, પોલીસ ફરિયાદ અંગે બચાવ કરતા તેમણે જણાવ્યું કે, "હું 1 થી 8 ધોરણ સુધી ત્યાં જ ભણી છું. મેં જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું છે તે સાચું છે". તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તેના પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે.
