Ahmedabad Crime News: સોશિયલ મીડિયા પર ધાર્મિક વિધિ અને દુઃખ દૂર કરવાના નામે છેતરપિંડી આચરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઈન્સ્ટાગ્રામ પર કિન્નરનો ફોટો મૂકી ગુરુમા તરીકે ઓળખાણ આપીને ડમી પ્રોફાઈલ બનાવનાર એક પાખંડી ગઠિયો પકડાયો છે. આરોપીએ 1500 મહિલાઓ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
કઈ રીતે ફસાવતો હતો મહિલાઓને?
આ શખ્સ સોશિયલ મીડિયા પર 'પૂજા કિન્નર માં', 'પૂજા કિન્નર ગુરુમાં' અને 'કિન્નર ગુરુ માતા સુશિલાજી' નામથી ડમી પ્રોફાઈલ બનાવીને દુઃખ દૂર કરવાની લોભામણી જાહેરાતો મૂકતો હતો. લવ ગુરુ તરીકેની પોતાની ઓળખ આપીને આ ગઠિયો લવ બ્રેકઅપ, આકર્ષણની વિધિ અને વશીકરણના બહાને દર મહિને આશરે 300 જેટલી મહિલાઓનો સંપર્ક કરતો હતો.
1500 મહિલા પાસેથી 60 લાખ પડાવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં આ ગઠિયાએ દેશભરની 1500 કરતાં પણ વધારે મહિલાઓ પાસેથી રૂ. 60 લાખ પડાવી લીધા છે. તે સંપર્કમાં આવતી મહિલાઓમાંથી 65 જેટલી મહિલાઓ પાસેથી દર મહિને રૂ. 3 હજારથી લઈને રૂ. 15 હજાર સુધીની રકમ પડાવતો હતો.
યુવતીના ફોટા મોર્ફ કરી બ્લેકમેઇલ કરી
આ ગઠિયાની મોડસ ઓપરેન્ડી માત્ર પૈસા પડાવવા પૂરતી સીમિત ન હતી. તે યુવતીઓ પાસે ફોટા મંગાવી તેમાં મોર્ફિગ કરીને તેમને બ્લેકમેલ પણ કરતો હતો. અમદાવાદની એક યુવતી કે જેનું લવ બ્રેકઅપ થયું હતું, તેણે નિરાશ થઈને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ આ ગઠિયાનો સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ ધાર્મિક વિધિથી દુઃખ દૂર કરી આપવાની ખાતરી આપીને પૈસા પડાવ્યા હતા.
ત્યારબાદ, આ પાખંડીએ યુવતીના ફોટા મંગાવી તેમાં ચેડાં કર્યા અને આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને રૂ. 1.43 લાખ પડાવી લીધા હતા. સતત બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈને આખરે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: પોરબંદરમાં માનવતા લજવાઇ: 4 વર્ષની બાળા પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ, આરોપીની ઉંમર માત્ર 12 વર્ષ
100% ઓનલાઈન નેટવર્ક, કોઈએ જોયો ન હતો
આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ રજનીશ નામનો શખ્સ હતો, જેણે પોતાનું આખું નેટવર્ક સોશિયલ મીડિયા પર જ ગોઠવ્યું હતું. રજનીશને કોઈએ રૂબરૂ જોયો ન હતો. જાહેરાત જોઈને જે પણ મહિલા કે યુવતી સંપર્ક કરે, રજનીશ તેમની સાથે ફોન પર વાત કરી તેમની તકલીફ જાણીને વિધિથી ઉપાય કરી આપવાની વાત કરતો હતો.
તે મહિલાઓ પાસેથી પૈસા 4 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે અને વિધિ ચાલુ હોવાનું સાબિત કરવા માટે તે ઇન્સ્ટાગ્રામ પરથી અન્ય વિધિના વીડિયો ડાઉનલોડ કરીને મહિલાઓને મોકલી દેતો હતો. હાલમાં સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
