અમદાવાદ મનપા પર કબજા બાદ હવે પદ માટેની ક્વાયત, જાણો કોણ છે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેનની રેસમાં સૌથી આગળ

મેયર પદ OBC પુરુષ માટે રિઝર્વ હોવાથી ડેપ્યુટી મેયર પદ મહિલાને આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા. જેમાં ચારેક મહિલા કોર્પોરેટરો મજબૂત દાવેદાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 07:20 AM (IST)Updated: Thu, 30 Apr 2026 03:13 PM (IST)
ahmedabad-new-mayor-race-begins-after-bjp-sweeps-amc-elections-2026
HIGHLIGHTS
  • કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતાના પદ માટે શહેઝાદ પઠાણ અને નિરવ બક્ષીના નામની ચર્ચા

AMC Election Results 2026: ગઈકાલે જાહેર થયેલા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રચંડ બહુમતી સાથે તમામ મહાનગરપાલિકાઓ પર ભગવો લહેરાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં સતત પાંચમી ટર્મમાં ભાજપ સત્તા સ્થાને પરત ફર્યું છે.

અમદાવાદના નવા મેયર કોણ

વિજયના ઉત્સાહ વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, અમદાવાદના નવા મેયર કોણ બનશે? શહેરના રાજકીય વર્તુળોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અનેક નામોની અટકળોએ જોર પકડ્યું છે.

અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકોમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ વિજેતા થઈ છે. કુલ 160 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 32 બેઠકો આવી છે. જોકે, ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થતા વિપક્ષી નેતાના પદ માટે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે.

મેયરની રેસમાં કોણ છે આગળ?

ચાલુ ટર્મમાં મેયરનું પદ OBC વર્ગના પુરુષ માટે અનામત છે. આ પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટનું નામ ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત બોડકદેવ વોર્ડ નંબર 19 પરથી પ્રથમ વખત કોર્પોરેટ તરીકે ચૂંટાઈ આવનાર ધરમશી દેસાઈ, વેજલપુર વોર્ડ નંબર 32 પરથી ચૂંટાઈને આવનાર વરિષ્ઠ કોર્પોરેટર રાજેશ ઠાકોર અને નિકોલ વોર્ડ નંબર 24માં સૌથી વધુ 38,580 મત મેળવનાર દિપક પંચાલ પણ મેયર પદ માટે મજબૂત દાવેદાર મનાય છે.

ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી માટે કોણ રેસમાં

મેયર પદ પુરુષ માટે રિઝર્વ હોવાથી ડેપ્યુટી મેયર પદ મહિલાને આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આથી ડેપ્યુટી મેયર પદ માટે પણ કેટલીક મહિલાઓના નામ રેસમાં છે. જેમાં રાણીપ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ભાવિબેન પંચાલ, સાબરમતી વોર્ડ નં.4ના કોર્પોરેટર અંજુબેન શાહ, સરદારનગર વોર્ડ નં. 11ના કોર્પોરેટર ડિમ્પલ વરિન્દાની, અસારવા વોર્ડ 15ના અનસુયા પટેલના નામ મોખરે છે.

બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાલડી વોર્ડ નં. 30ના કોર્પોરેટર જૈનિક પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની સાથે ખોખરા વોર્ડ નં. 44ના કોર્પોરેટર કમલેશ પટેલ, નિકોલ વોર્ડ નં. 24ના કોર્પોરેટર પરેશ લાખાણી તેમજ બોડકદેવ વોર્ડ 19ના કોર્પોરેટર તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ રેસમાં છે.

આ તો થઈ સત્તાપક્ષમાં હોદ્દેદારોના નામની વાત પરંતુ આ વખતે કોંગ્રેસની બેઠકો વધી હોવાથી વિપક્ષના પદ માટે પણ અનેક નામો રેસમાં છે.આ વખતે કોંગ્રેસમાં 18 મુસ્લિમ અને 14 હિન્દુ ઉમેદવારો વિજયી થયા છે.

વિપક્ષી નેતા બનવા માટે પૂર્વ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ અને દરિયાપુરના નિરવ બક્ષી વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. નોંધનીય છે કે કોંગ્રેસે આ વખતે ઓવૈસીની પાર્ટી (AIMIM) પાસેથી સાત બેઠકો આંચકી લીધી છે, જે તેના માટે રાહતના સમાચાર છે.