દિવાળી ટાણે AMC ફુડ વિભાગની લાલ આંખ, અમદાવાદમાં મીઠાઈ-ફરસાણના 29 નમૂના લેવાયા, નરોડામાં એકમ સીલ

દિવાળીના તહેવારોને લઈ AMC ફુડ વિભાગે અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના 29 નમૂના લીધા. નિયમોનું ઉલ્લંઘન કરનાર નરોડાના એકમને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 11:54 PM (IST)Updated: Mon, 26 Oct 2026 11:54 PM (IST)
ahmedabad-diwali-food-safety-amc-seals-unit-takes-29-samples

Diwali Food Safety AMC: દિવાળી અને આગામી તહેવારોની મોસમમાં શહેરીજનોને સલામત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ જાહેર આરોગ્યનું રક્ષણ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફુડ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દશેરા અને દિવાળી જેવા પર્વોમાં પરંપરાગત મીઠાઈઓ અને ફરસાણની માંગ અચાનક વધતી હોવાથી, તંત્ર દ્વારા ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા અને તળવા માટે વપરાતા તેલની ગુણવત્તાની કડકકાથી ચકાસણી થઈ રહી છે.

લેબોરેટરી તપાસ માટે લેવાયેલા 29 નમૂનાઓની વિગત

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ ફુડ વિભાગની ટીમે વિવિધ જાણીતી દુકાનો અને એકમોમાંથી કુલ 29 ખાદ્ય નમૂનાઓ મેળવીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

મુખ્ય નમૂનાઓની યાદી નીચે મુજબ છે

  • ભાવનગરી સ્વીટ માર્ટ (બોડકદેવ): કાજુ અંજીર રોલ, કાજુ, બદામ.
  • ક્રિષ્ના સ્વિટ માર્ટ (દિલ્હી ચકલા): કાજુ કતરી.
  • શ્રી નાગર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (મણીનગર): મોહનથાળ.
  • શ્રી રામ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (ઇસનપુર): ઘી, ચાંદીની વરખ, કપાસિયા તેલ વગેરે.
  • ગ્વાલીયા સ્વીટ્સ પ્રા.લી. (નરોડા GIDC): ફ્લેવર, ચોકલેટ કમ્પાઉન્ડ, સિન્થેટિક ફૂડ કલર, ધાણા-મરચું-હળદર પાવડર.
  • અમ્રુત મીઠાઈ જંકશન & હિરા મિષ્ઠાન (ચાંદખેડા): કલાકંદ અને કાજુ કતરી.
  • માતેશ્વરી ચવાણા માર્ટ (ઇદગાહ રોડ): શક્કરપારા, ઝીણી સેવ, પામોલીન તેલ, બેસન.
  • જય શ્રી ડેરી ફાર્મ (જોધપુર) & બાલાજી ચવાણા (સરખેજ): બરફી, ટોપરા પાક અને બેસન.
  • જૈન સુપર નમકીન (નરોડા) & રસ પ્રિયા ફુડ પ્રોડક્ટ્સ (બાપુનગર): બેસન, બળેલું તેલ અને રસગુલ્લા.

નરોડામાં 'જૈન સુપર નમકીન' સીલ અને મોટો જથ્થો જપ્ત

તપાસ દરમિયાન નરોડા સ્થિત જૈન સુપર નમકીન નામના એકમમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.

તેલના નિકાલની અનિયમિતતા

આ એકમમાં દરરોજ અંદાજે 125 કિલોગ્રામ રસોઈ તેલ વપરાતો હોવા છતાં, વપરાયેલા તેલના યોગ્ય સંગ્રહ કે અધિકૃત એજન્સીને સોંપવા અંગેનો કોઈ રેકોર્ડ કે વ્યવસ્થા નહોતી મળી.

જથ્થો સ્થગિત: વિભાગ દ્વારા બળેલું તેલ અને બેસનનો નમૂનો લેવાની સાથેસાથે 1000 કિલોગ્રામ તૈયાર નમકીન, બેસન અને મેંદાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

એકમ સીલ: સુરક્ષાના નિયમોના ભંગ બદલ આ એકમને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યો છે.

TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ) અને FSSAIના કડક નિયમોતંત્ર દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે કે વારંવાર ગરમ કરેલા તેલમાં TPCનું પ્રમાણ વધી જાય છે.FSSAIના નિયમ મુજબ 25%થી વધુ TPC ધરાવતું તેલ માનવ વપરાશ માટે અયોગ્ય અને પ્રતિબંધિત છે. આવા તેલના સતત ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર, ધમનીઓમાં ચરબી જમા થવી (એથેરોસ્ક્લેરોસિસ), લિવરના રોગો અને અલ્ઝાઇમર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

જે વ્યવસાયોમાં રોજ 50 કિલોગ્રામ કે લિટરથી વધુ તેલ વપરાય છે, તેમણે વપરાશ અને નિકાલનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે તથા વપરાયેલું તેલ ગટરમાં નાખવાને બદલે માત્ર અધિકૃત UCO કલેક્ટર એજન્સીને જ આપવાનું રહેશે.

અગાઉની કાર્યવાહી (ઓક્ટોબર મહિનાના અન્ય દરોડા)

આ અગાઉ પણ AMC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે-

M J F Food (બહેરામપુરા - તા. 15/10/2026): 'સ્નેક ટચઅપ'ના નમૂનામાં સનસેટ યલો, પોન્સુ 4R જેવી પ્રતિબંધિત સિન્થેટિક ડાઈઝ મળી આવતા અને સ્ટાર્ચ પોઝિટિવ જણાતા નમૂનો અનસેફ જાહેર કરાયો હતો. અહિંથી 2000 કિલોગ્રામ રો-મટીરિયલ સીઝ કરી એકમ સીલ કરાયું હતું.

આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા - તા. 17/10/2026): સ્નેક ટચઅપ, ટોમેટો પેસ્ટ અને બટાકાની પેસ્ટના નમૂના ફેલ (સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ) જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AMCના ફૂડ સેફટી વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તહેવારોની આ મોસમમાં જો કોઈ પણ ખાદ્ય વેપારી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરશે તો તેની સામે કડકથી કડક કાનૂની પગલાં લેવામાં આવશે.