Ahmedabad Airport Customs E-Auction: અમદાવાદ શહેરમાં ગત 8 મે, શુક્રવારના રોજ ગેજેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આઇફોન (iPhones) અને લક્ઝરી ઘડિયાળોની ઓનલાઇન હરાજી યોજાઈ હતી, જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
કયા ગેજેટ્સની થઈ હરાજી?
આ ઇ-ઓક્શન MSTCL પોર્ટલ મારફતે યોજવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2019 થી 2023 વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના કેસમાં કસ્ટમ્સે જપ્ત કરેલા 87 આઇફોન અને 27 પ્રીમિયમ વિદેશી ઘડિયાળ મૂકવામાં આવી હતી. આ હરાજીમાં આઇફોન 11 થી લઈને આઇફોન 15 સિરીઝના મોડલ અને એપલ વોચ સિરીઝ 6 નો પણ સમાવેશ થતો હતો.
મોડી સાંજ સુધી ચાલી હરાજી
કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઈ-ઓક્શનને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. હરાજી માટે બપોરે 1 થી 5 વાગ્યા સુધીનો સત્તાવાર સમય હોવા છતાં મોડી સાંજ સુધી બોલી લગાવવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. ઓનલાઇન હરાજીમાં જોડાતા પહેલા ઘણા રસ ધરાવતા ખરીદદારોએ વસ્તુઓ જાતે જોવા અને ફિઝિકલ ઇન્સ્પેકશન કરવા માટે અગાઉ એરપોર્ટની મુલાકાત પણ લીધી હતી.
લાખો રૂપિયાની બોલીઓ લાગી
નોંધનીય છે કે, અમદાવાદમાં લગભગ 10 વર્ષ બાદ આ પ્રથમ મોટી કસ્ટમ હરાજી યોજાઈ હતી. જેમાં વેપારીઓ, ગેજેટના શોખીનો અને સસ્તામાં સામાન ખરીદવા માંગતા લોકો મોટી સંખ્યામાં આકર્ષાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ લોટમાં બોલી લગાવવા માટે ભારે સ્પર્ધા જોવા મળી હતી.
- પ્રથમ લોટમાં 265 બોલી લાગી હતી, અને અંતે રૂ. 5.18 લાખમાં બંધ થયો હતો.
- બીજા લોટમાં 205 બોલીઓ લાગી, અને રકમ રૂ. 13.06 લાખ સુધી પહોંચી ગઈ.
જોકે, કસ્ટમ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે બીજા લોટની રકમ વિભાગની રિઝર્વ પ્રાઇસ એટલે કે લઘુત્તમ નક્કી કરેલી કિંમત સુધી પહોંચી શકી ન હોવાથી તે લોટની હરાજી હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે.
ટૂંક સમયમાં ફરી યોજાશે હરાજી?
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં બીજી એક મોટી હરાજી પણ યોજાઈ શકે છે. કારણ કે, એરપોર્ટ કસ્ટમ્સે જપ્ત કરાયેલા વધુ 158 જેટલા મોબાઈલ ફોનને હરાજી મારફતે નિકાલ કરવા માટે અત્યારે સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
