ખ્યાતિ હોસ્પિટલ કાંડ: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓને ડિસ્ચાર્જ અરજી ફગાવી, હવે થશે ચાર્જફ્રેમ

ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટને આ મામલો સાંભળવા આદેશ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 09 May 2026 11:57 AM (IST)Updated: Sat, 09 May 2026 11:57 AM (IST)
ahmedabad-court-rejects-discharge-plea-of-accused-in-khyati-hospital-case
HIGHLIGHTS
  • ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અપડેટ
  • અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ચુકાદો
  • આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી

Ahmedabad Khyati Hospital Case: ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક મોટો ચુકાદો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન સહિતના મુખ્ય આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે અને આગામી સમયમાં આ મામલે ચાર્જફ્રેમ કરવામાં આવશે.

કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

સારવારના નામે મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ગેરમાર્ગે દોરવા, તેમની ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવી અને બે વ્યક્તિઓના મૃત્યુ નીપજવાના ગંભીર કેસમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોડિયા અને રાહુલ જૈને ડિસ્ચાર્જ અરજી કરી હતી, જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે.

અગાઉ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેના પગલે હાઇકોર્ટે નીચલી કોર્ટને આ મામલે ફરીથી સાંભળવા આદેશ કર્યો હતો. આરોપીઓએ રજૂઆત કરી હતી કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમણે કોઈ ઓપરેશન કર્યા ન હોવાથી તેમની સામે કોઈ પુરાવા નથી.

6070 પાનાની ચાર્જશીટ અને મજબૂત પુરાવા

સરકારી વકીલ વિજય બારોટે કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ આ કેસમાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ છે. કોર્ટે પણ નોંધ્યું છે કે કાર્તિક પટેલ સામે 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં 30 મહત્ત્વના સાક્ષીઓ અને 7 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદન પણ સામેલ છે. આરોપીઓએ ગરીબ દર્દીઓ પાસેથી આર્થિક લાભ મેળવ્યો છે, તેમને ડિસ્ચાર્જ કરી શકાય નહીં.

PMJAY યોજના અને ચોંકાવનારા ખુલાસા

આરોપીઓના કાવતરાનો મુખ્ય હેતુ સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) નો આર્થિક ગેરલાભ ઉઠાવવાનો હતો. ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 50.98 ટકા હિસ્સો ધરાવતા ચેરમેન કાર્તિક પટેલના નિર્દેશથી જ હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહાર થતા હતા.

સરકાર પક્ષે એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આરોપીઓએ હોસ્પિટલમાં ગરીબ અને અભણ દર્દીઓને લાવીને તેમની ખોટી એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરી હતી. જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ નહોતા, તેમના માટે અન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરી સરકારી વેબસાઇટ સાથે ચેડાં કરીને કાર્ડ મેળવવામાં આવ્યા હતા.

વધુમાં, આર્થિક લાભ મેળવવા માટે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને માનવ જીવનનું અવમૂલન કર્યું છે. આ ગંભીર પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓની છૂટવા માટેની તમામ અરજી નામંજૂર કરી છે. હવે તેમની સામે કાયદાકીય ગાળિયો વધુ કસાયો છે.