Ahmedabad News: 21મી સદીમાં AIનો લોકો જેટલો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેવી જ રીતે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો એઆઈના ઉપયોગ વડે લોકોને છેતરતા હોય છે. AIનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચર્યાનો ચોંકાવનાર લોન કૌભાંડનો સાઈબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ આંતર રાજ્ય ગેંગના સભ્યો લોકોના ડિપફેક વીડિયો બનાવીને આધારકાર્ડમાં રહેલા બાયોમેટ્રિકની તપાસ વગર રજિસ્ટર્ડ નંબર બદલીને જે તે લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને લોન લઈને છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમે લોન કૌભાંડનો કર્યો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આસામનો કાજીમુદ્દીન સિરાજ અલી અને રબ્બુલ હુશેન નિઝામુદ્દીન છે. આ ગેંગના સભ્યો આસામના બોવલપુરીથી આ કૌભાંડને ચલાવતા હતા. તેઓ જીએસટી પોર્ટલ પરથી કે અન્ય ગવર્નમેન્ટ સાઈટ પરથી લોકોનો ડેટા ચોરી કરતા હતા. આરોપીઓ માસ્ટર ઈન્ડિયા જેવી વેબસાઈટના ઉપયોગ વડે તેઓ લોકોના નામ પરથી જીએસટી અને પાનકાર્ડની માહિતી મેળવીને, વ્યક્તિનો સિબિલ સ્કોર તપાસીને આધાર નંબર મેળવતા હતા.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
આરોપીઓ આધારકાર્ડમાંથી રજિસ્ટર્ડ નંબર બદલીને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરતા. જેના દ્વારા તેઓ બેન્કમાં ખાતુ ખોલાવીને નાની લોન લેતા હતા. જેમાં તેઓ રુ.25 હજારથી લઈને 50 હજાર સુધીની લોન લઈને છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો છે. આરોપીઓ વર્ષે 10થી 15 લાખ સુધીની લોન લીધાનો ખુલાસો થયો હતો. આરોપીઓ વધુ ઈન્કવાયરી ન થાય માટે નાની લોન લેતા હતા. પરંતુ આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા એઆઈ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમજ આરોપીઓએ એઆઈ અને ડીપફેકનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચર્યું છે. આરોપીઓ આધારકાર્ડ સાથે કોઈ પણ જાતની બાયોમેટ્રિક ચકાસણી વિના જ આધારમાંથી લિંક નંબર બદલી નાખતા હતા.
સુત્રધારોની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત
આ ટોળકી ચોરી કરેલા ડોક્યુમેન્ટ અને નંબરના આધારે જુદી જુદી બેન્કોમાં બનાવટી ખાતાઓ ખોલાવીને નાની લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા. ઉપરાંત આ રેકેટમાં સામેલ આરોપીઓને 2000 સુધીનું કમિશન મળતું હતું અને જનસેવા કેન્દ્રમાં કર્મીઓ પણ સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે કુલ 7 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. સાઈબર ક્રાઈમ બ્રાન્ચે કૃષ્ણા રામપ્રતાપ પ્રજાપતિને યુપીમાંથી અને બે સાગરિતો કાજીમુદ્દીન અને રબ્બુલ હુસેનને આસામથી ઝડપી લેવાયા હતા.
7 આરોપીઓ પોલીસની પકડમાં
આરોપીઓની ધરપકડ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી લવિના સિંહાના જણાવ્યા મુજબ, અમદાવાદનો એક વેપારી આ ગેંગનો શિકાર બન્યો હતો. તેના આધારકાર્ડ સાથે રજિસ્ટર્ડ નંબર બદલીને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ ત્રણ અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ થયો હતો. જેના આધારે તપાસ કરતા 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે બાકીના 3ને યુપી અને આસામથી પકડી લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે.
