અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે યુપીનો શખ્સ ઝડપાયો, બેંગકોકથી વાયા અમદાવાદ થઈ દિલ્હી જવાનો હતો પ્લાન

આરોપી મુસાફર ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની હોવાનું સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 03:07 PM (IST)Updated: Fri, 22 May 2026 03:07 PM (IST)
ganja-worth-rs-20-crore-seized-at-ahmedabad-airport-up-man-held-from-bangkok
HIGHLIGHTS
  • અમદાવાદ એરપોર્ટ પર રૂ. 20 કિલો ગાંજો ઝડપાયો
  • 20 કરોડના ગાંજા સાથે ઉત્તરપ્રદેશનો શખ્સ ઝડપાયો

Ahmedabad Airport Drug Bust: અમદાવાદ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી છે. એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે એક મોટા ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ હોવાની શંકા છે.

થાઈ એરવેઝમાં આવ્યો શંકાસ્પદ મુસાફર

આ સમગ્ર કાર્યવાહી DRI તરફથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. માહિતી મળતા જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર તૈનાત એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા. 

ગત 20 અને 21 મે ની રાત્રે બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા શંકાસ્પદ ભારતીય નાગરિકને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ શંકાસ્પદ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. 

naidunia_image

કુલ 19 પેકેટમાં મળ્યા 20 કિલો ગાંજો

મુસાફરની ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થથી ભરેલા 19 વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. આ શંકાસ્પદ સામગ્રીનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવતા તે નશાકારક પદાર્થ ગાંજો હોવાનું પોઝિટિવ સાબિત થયું હતું. કસ્ટમ્સ ઓપરેશન હેઠળ અધિકારીઓએ કુલ 20.366 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી લીધો છે.

આ ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ આરોપી મુસાફર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 ની કડક જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગાંજો બેંગકોકમાં કોણે આપ્યો અને દિલ્હીમાં કોને ડિલિવર કરવાનો હતો તે દિશામાં હવે સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે.

શું હતો આરોપી મુસાફરોનો પ્લાન?

આરોપી મુસાફર ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની હોવાનું સામે આવ્યું છે. તેની પૂછપરછ અને તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે આ ડ્રગ્સની હેરાફેરી માટે એક લાંબો રૂટ પસંદ કર્યો હતો. તે પહેલા દિલ્હીથી બેંગકોક ગયો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તે આગળ દિલ્હી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલા જ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો હતો.