Ahmedabad: આકાશા એરલાઈન્સની ફ્લાઈટમાંથી 2.58 કરોડના સોનાની ચોરી, સિક્યુરિટી ઇન્ચાર્જ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ

સિક્યુરિટી અને ક્લિનિંગ ઇન્ચાર્જ સહિત 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 10:04 AM (IST)Updated: Fri, 22 May 2026 10:04 AM (IST)
ahmedabad-bangalore-akasha-air-flight-gold-parcel-theft-accused-arrested
HIGHLIGHTS
  • આકાશા એરલાઈન્સમાંથી થઈ ચોરી
  • 2.58 કરોડના સોનાના પાર્સલની ચોરી

Akasa Air Gold Theft Ahmedabad: અમદાવાદથી બેંગ્લોર જતી આકાશા એરલાઇનની ફ્લાઈટમાંથી રૂ. 2.58 કરોડના સોનાના પાર્સલની ચોરીના મામલે અમદાવાદ એરપોર્ટ પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં એરલાઇન્સના જ સિક્યુરિટી ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

ચોરીના માસ્ટરમાઇન્ડ કોણ હતા? 

પોલીસે એરલાઇન્સના સિક્યુરિટી ઇન્ચાર્જ અને કર્મચારીઓ સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરીને રૂ. 69 લાખની રોકડ અને રૂ. 1.08 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. ઝોન 4 DCP અતુલ બંસલના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ આકાશા એરનો સિક્યોરીટી ઇન્ચાર્જ ઝૈદ અંસારી, એરલાઇનનો ક્લિનિંગ ઇન્ચાર્જ રોશન પટેલ અને જૂનાગઢનો સુલતાન સમા હતા.

કેવી રીતે આપ્યો ચોરીને અંજામ?

આ કાવતરાને ખૂબ જ ચાલાકીથી અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓએ પ્રવાસી તરીકે અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં જ ટિકિટ બુક કરાવી હતી. કાર્ગોમાંથી જ્યારે સાત પાર્સલ લાવવામાં આવ્યા ત્યારે લોડર જયેશ પરમારની ટ્રોલીમાં સોનાનું પાર્સલ છુપાવી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ પાર્સલ પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા સાલેમંહમંદ અંસારી સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે ફ્લાઇટ બેંગ્લોર પહોંચી, ત્યારે સાલેમંહમંદ આ સોનું એરપોર્ટની બહાર લઈ આવ્યો અને ત્યારબાદ તેઓ સોનું લઈને પરત અમદાવાદ આવી ગયા હતા.

naidunia_image

આરોપીઓએ સોનાને ક્યાં છૂપાવ્યું?

અમદાવાદ પરત ફર્યા બાદ, ચોરી કરેલા આ સોનાને પ્રોસેસ કરીને તેના 100 થી 150 ગ્રામના અલગ-અલગ પીસ (બ્રાસ) બનાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીઓ ઝૈદ અંસારી અને રોશન પટેલ ઉપરાંત કુલદીપ પટેલ, સાલેહ મંહમંદ અંસારી, રવિકાંત બગીયા તેમજ આ ચોરીનું સોનું ખરીદનાર કિરણ પવાર અને શંકર મરાઠીની પણ ધરપકડ કરી છે.

અગાઉ પણ કર્યા હતા ત્રણ નિષ્ફળ પ્રયાસો

આરોપીઓની પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે આ માર્ચ મહિનામાં જ તેમણે એરપોર્ટના હાઈ સિક્યોરિટી ઝોનમાં ત્રણ વાર સોનાની ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, તે સમયે સ્ટાફ અને લોડરની સંખ્યા વધુ હોવાને કારણે તેઓ સફળ થઈ શક્યા નહોતા. હાલમાં એરપોર્ટ પોલીસ દ્વારા વધુ મુદ્દામાલ રિકવર કરવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સોનાના વેચાણમાંથી મળનારી રકમનો સૌથી મોટો હિસ્સો સિક્યોરિટી ઇન્ચાર્જ ઝૈદ અંસારીને આપવાનું નક્કી કરાયું હતું. પોલીસે તમામ આરોપીઓ પાસેથી એક લાખથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનો મુદ્દામાલ અને સૌથી વધુ મુદ્દામાલ ઝૈદ અંસારી પાસેથી કબજે કર્યો છે.