Ahmedabad: ઘાટલોડિયામાં ઓનલાઈન છેતરપિંડી; પત્નીની કેન્સરની સારવારના રુ. 57 લાખ ગઠિયા ખંખેરી ગયા

ઘાટલોડિયામાં ગ્રાફિક ડિઝાઈનર પત્નીની કેન્સરની સારવાર માટે શેરબજારની લાલચમાં આવી ગયા અને સાયબર ઠગોએ અલગ-અલગ બહાને ₹57.85 લાખ પડાવી લીધા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 22 May 2026 09:55 AM (IST)Updated: Fri, 22 May 2026 09:55 AM (IST)
ahmedabad-online-fraud-cheated-of-57-lakh-wife-cancer-treatment-money

Ahmedabad News: અમદાવાદના ઘાટલોડિયામાં ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 51 વર્ષીય વ્યક્તિ સાથે રુ.57.85 લાખની ઠગાઈ થતા તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત મુજબ, ઘાટલોડિયામાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતા ફરિયાદીને સ્ટોક ઓપરેશન ઈન કંપનીના નામે બે શખ્સોનો કોલ આવ્યો હતો.

ગઠિયાઓએ ફરિયાદીને લાલચ આપી

ગઠિયાઓએ ફરિયાદીને મોટા રોકાણ સામે સારુ એવું વળતર મળશે. તેવી લાલચ આપી હતી. ગઠિયાઓએ કંપનીમાં સ્પેશિયલ ફંડેડ એકાઉન્ટ પ્લાનમાં અંદાજે 40 લાખના રોકાણ કરવા પર કંપની રુ.2 કરોડનું ફંડેડ ડીમેટ એકાઉન્ટ ખોલી આપશે. જેથી ફરિયાદીને દરરોજ મોટું વળતર પ્રાપ્ત થશે. શરુઆતમાં ફરિયાદીએ તે લોકોને ના પાડી, પંરતું ગઠિયાઓએ વિશ્વાસમાં લઈને પૈસા ભરવા મનાવી લીધા હતા. જે બાદ નકલી એગ્રીમેન્ટ અને ફેક પ્રોફિટના સ્ક્રીનશોટ મોકલ્યા હતા.

પત્નીની સારવારના પૈસા ગઠિયા ઓળવી ગયા

આ સમયગાળામાં ફરિયાદીની પત્નીને કેન્સરની બિમારી થઈ ગઈ હતી. જેથી ફરિયાદીને પત્નીની સારવાર માટે પૈસાની જરુર પડી હતી. આથી તેઓ ગઠિયાઓની વાતમાં આવી ગયા અને પોતાના બેન્ક એકાઉન્ટ અને અલગ અલગ આંગડિયા પેઢીઓ મારફતે રુ.57.85 લાખ રુપિયાની રકમ ભરી દીધી હતી. ગઠિયાઓએ છેતરપિંડી કરીને ફરિયાદીને કોઈ નફો કે વળતર આપ્યું નહી. પૈસા ઓળવી લીધા જેથી છેતરપિંડીની જાણ થતા જ ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.