Ahmedabad School Murder: સેવન્થ ડે સ્કૂલના હત્યાની ઘટના સમયના CCTV સામે આવ્યા; જૂઓ તે સમયે શું બન્યું હતું

19 ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 03 Sep 2025 10:57 AM (IST)Updated: Wed 03 Sep 2025 02:52 PM (IST)
cctv-footage-surfaces-after-seventh-day-school-student-murder-in-ahmedabad-596476

Ahmedabad School Stabbing: અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10 નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 8નાં એક વિદ્યાર્થીએ છરી મારીને હત્યા કરી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાના 15 દિવસ વીતી ચુક્યા છે. ત્યારે આજે 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર CCTV ફૂટેડ સામે આવ્યા છે.

મૃતક વિદ્યાર્થી નયન સંતાણી ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશતો જોવા મળી રહ્યો છે. બપોરે 12:53 કલાકે તે જ્યાં ઇજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળી રહ્યો છે. થોડીવાર બાદ નયન ઢળી પડ્યો હતો. આ દરમિયાન સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી અને લોકો ત્યાં ઉભા તમાશો જોઈ રહ્યા હતા. થોડીવાર પછી નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી તેને રીક્ષા મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બપોરે 12:53 કલાકે પીળા કલરની ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે. નયન સાથે સ્કૂલના અન્ય છોકરાઓ પણ જોવા મળે છે. આ દરમિયાન નયનને પેટના ભાગે જ્યાં કટર વાગ્યું હતું, ત્યાંથી લોહી નીકળી જોવા મળી રહ્યું છે, અને તે આ ઘા ને દબાવીને રાખ્યો હતો. ઇજાગ્રસ્ત હોવાના કારણે તે સરખું ચાલી શકતો પણ નહતો.

આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જાય છે અને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત નયન તરફ આવે છે, ત્યારે ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે. આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ CCTVમાં દેખાઇ રહ્યા છે. જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં કોઇ પણ પ્રકારની મદદ કરી રહ્યો ન હતો. ઈજાગ્રસ્ત હાલતમાં નયન શાળામાં પહોંચ્યાંને 6-7 મિનિટ જેટલો સમય વીતી ગયો હતો.

પરિવાર મદદે દોડી આવ્યો

થોડા સમય પછી બે મહિલાઓ દોડતી દોડતી સ્કૂલમાં પ્રવેશ કરે છે અને નયન પાસે આવે છે. એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઊંચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ મહિલાઓ નયનના પરિવારજનોની હોવાનું સામે આવ્યું છે. આમ વિદ્યાર્થીના પરિવારજનો દીકરાને હોસ્પિટલ પહોંચાડે છે, પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવીને નયનની કોઈ મદદ કરવામાં આવી નહોતી તે ઘટના CCTVમાં જોઇ શકાય છે.

શું હતી ઘટના?

19 ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતી. ત્યારબાદ 20 ઓગસ્ટના રોજ તેનું સારવાર દરમિયાન મણિનગરની હોસ્પિટલમાં મોત થયું હતું. જેને પગલે વિદ્યાર્થીનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધો હતો. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.