Ahmedabad Kalupur Bridge Diversion: અમદાવાદ શહેરમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાબરમતીથી વટવા સુધીના પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા. લી. કંપની દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત હવે કાલુપુર બ્રિજ (શ્રી મનુભાઈ પરમાર ઓવરબ્રિજ) ઉપર બુલેટ ટ્રેન કોરીડોર માટે સેગમેન્ટ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ કામગીરીને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મહત્વની એડવાઇઝરી અને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
ક્યારે અને કયો રસ્તો બંધ રહેશે?
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાની આ કામગીરી 22 મે, શુક્રવારથી 25 મે, સોમવાર સુધી ફક્ત રાત્રે 12:00 કલાકથી સવારે 06:00 કલાક દરમિયાન જ કરવામાં આવશે.
પ્રતિબંધિત માર્ગ: આ સમય દરમિયાન કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ પર આવેલા નાના સર્કલ સુધીનો આશરે 500 મીટરનો રોડ ઉપરોક્ત તારીખ અને સમય દરમિયાન વાહનોની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
કાલુપુર બ્રિજ બાબતે પ્રેસનોટ #ahmedabadtrafficpolice #ahmedabadpolice #kalupur #bridge pic.twitter.com/Z4qrH9u356
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 20, 2026
વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગ
રાત્રિના સમયે મુસાફરી કરતા વાહનચાલકોએ અગવડતા ટાળવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક ડાયવર્ઝન દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલા નીચે મુજબના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- નરોડા રોડ તથા સરસપુર તરફથી આવતો ટ્રાફિક
કાલુપુર સર્કલ તરફ જવા માટે સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ થઈ, વોરાના રોજા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ડૉ. આંબેડકર ફ્લાય ઓવર (ચામુંડા બ્રિજ) થઈ, અસારવા સિવિલ હોસ્પિટલ રોડથી રચના સ્કૂલ રોડ થઈ, ગિરધરનગર ચાર રસ્તાથી બાબુ જગજીવનરામ બ્રિજ ઉપર થઈ ઈદગાહ રોડ થઈ કાલુપુર સર્કલ તરફ જઈ શકાશે.
- રખિયાલ-ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક
કાલુપુર સર્કલ તરફ જવા માટે સરસપુર સર્કલથી ગુરુદ્વારા રોડ થઈ, ચારતોડા કબ્રસ્તાન રોડ થઈ, ડાબી બાજુ વળી રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી, મુર્ગા સર્કલ ચાર રસ્તાથી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન થઈ, અનુપમ સિનેમા રોડ થઈ, અનુપમ બ્રિજથી કાંકરિયા રોડ થઈ સારંગપુર સર્કલ મારફતે કાલુપુર સર્કલ જઈ શકાશે.
- રિલીફ રોડ તથા દિલ્હી દરવાજાથી આવતો ટ્રાફિક
નરોડા રોડ અને સરસપુર તરફ જવા માટે કાલુપુર સર્કલથી ફ્રૂટ માર્કેટ થઈ, પાંચકુવા થઈ, ઈદગાહ રોડ થઈ, બાબુ જગજીવનરામ બ્રિજ ઉપર થઈ, ગિરધરનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી, રચના સ્કૂલ રોડ થઈ, અસારવા સિવિલ હોસ્પિટલ રોડ થઈ, મોહન સિનેમા ચાર રસ્તા થઈ, ચમનપુરા ચાર રસ્તા થઈ આંબેડકર બ્રિજ ઉપર થઈ નરોડા રોડ તથા સરસપુર તરફ જઈ શકાશે.
આ પણ વાંચો: અમદાવાદના વારસાની જાળવણી, ત્રણ હેરિટેજ ઈમારતોનો થશે કાયાકલ્પ, નાગરિકોની સુવિધામાં વધારો થશે
- આસ્ટોડિયા-રાયપુર તરફથી આવતો ટ્રાફિક
રખિયાલ તરફ જવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ, વાણિજ્ય ભવન થઈ, કાંકરિયા રોડ થઈ, અનુપમ બ્રિજ ઉપર થઈ, અનુપમ સિનેમાથી ડાબી બાજુ વળી, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન થઈ, સુખરામ ચાર રસ્તા થઈ, મુર્ગા સર્કલ ચાર રસ્તાથી રખિયાલ તરફ જઈ શકાશે.
- નરોડા GCS હોસ્પિટલ રોડ તરફથી આવતો ટ્રાફિક
સરસપુર તથા ગોમતીપુર જવા માટે કાલુપુર બ્રિજ ઉપરથી જઈ શકાશે. તે જ રીતે સરસપુર-ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક નરોડા રોડ ઉપર જવા માટે કાલુપુર બ્રિજ ઉપરથી જઈ શકશે.
