અમદાવાદમાં ઐતિહાસિક વારસાની જાળવણી: રુ.66 કરોડના ખર્ચે ત્રણ હેરિટેજ ઈમારતોનો થશે કાયાકલ્પ, નાગરિકોની સુવિધામાં વધારો થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એલિસબ્રિજ, સંસ્કાર કેન્દ્ર અને ટાઉન હોલના રિસ્ટોરેશન માટે રૂ. 66 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 21 May 2026 09:41 AM (IST)Updated: Thu, 21 May 2026 09:41 AM (IST)
ahmedabad-heritage-restoration-amc-ellisbridge-townhall-sanskarkendra

Ahmedabad News: હેરિટેજ સિટી અમદાવાદમાં મહત્ત્વના ગણાતા ત્રણ ઐતિહાસિક ઈમારતોની યોગ્ય જાળવણી થાય માટે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. AMC કરોડો રુપિયાના ખર્ચે ઐતિહાસિક સ્થળોનું નવીનીકરણ કરશે. જે મુજબ રુ. 32.4 કરોડના ખર્ચે એલિસબ્રિજનું બ્યુટીફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે પાલડીમાં આવેલા સંસ્કાર કેન્દ્રનું રુ.34 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. તેમજ AMC દ્વારા ટાઉન હોલનું પીપીપી મોડલ પર નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

ટાઉન હોલનું નવીનીકરણ

અમદાવાદમાં આઝાદી પહેલા વર્ષ 1940માં ટાઉહોલનું નિર્માણ કાર્ય થયું હતું. આ ટાઉન હોલ અમદાવાદના સાંસ્કૃતિક વારસામાં અજોડ઼ સ્થાન ધરાવે છે. ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં ટાઉન હોલ થઇ જતાં તેના પુન:નિર્માણની કામગીરી મનપા દ્વારા હાથ ધરાઈ હતી. યુ.એન. મહેતા ફાઉન્ડેશન સાથે MoU કરીને મનપા દ્વારા પીપીપી ધોરણે ટાઉન હોલ તૈયાર કરવાની યોજના છે.

ટાઉન હોલના રિસ્ટોરેશનનો તમામ ખર્ચ યુ.એન મહેતા ફાઉન્ડેશન કરશે. અંગ્રેજો દ્વારા નિર્મિત હોલમાં નીચેના ભાગે 723 બેઠક હતી. ત્યાં નવા સ્વરુપમાં શહેરીજનોની સુવિધા વધે માટે 487 જેટલી બેઠકો હશે. ઉપરાંત પ્રથમ માળમાં જ્યાં 388 બેઠકો હતી. હવે નવા રંગરુપમાં 520 બેઠકોનો સમાવેશ થશે. આ હોલ દોઢ વર્ષમાં તૈયાર કરવાની યોજના છે.

સંસ્કાર કેન્દ્રને આધુનિક મ્યુઝિયમમાં ફેરવાશે

અમદાવાદમાં આવેલું ઓલા સંસ્કાર કેન્દ્ર શહેરનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. જેને જાણીતા આર્કિટેક્ટ લે કોર્બુઝિયે એ વર્ષ 1954માં તૈયાર કર્યું હતું. આ ઐતિહાસિક ધરોહરની જાળવણી અને સંરક્ષણ માટે મનપા દ્વારા 34 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઈમારત ભારતની સ્વતંત્રતા પછી આર્કિટેક્ચરલ વિકાસનું એક પ્રતિક છે.આ ઈમારતના ટેરેસમાં વોટર પ્રુફીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ રિસ્ટોરેશનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે.જે આગામી દોઢ મહિનામાં તૈયાર થઈ જશે. જ્યારે આગામી સમયમાં આ બિલ્ડીંગને આધુનિક મ્યુઝીયમમાં ફેરવવાની મનપાની યોજના છે.

એલિસબ્રિજ પર નાગરિકો માટે ઉત્તમ વ્યવસ્થા

અંગ્રેજોના સમયમાં તૈયાર થયેલા એલિસબ્રિજને આશરે 130 વર્ષ થઈ ગયા છે. એલિસબ્રિજનું નિર્માણ અંગ્રેજો દ્વારા વર્ષ 1892 દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ બ્રિજ સ્થાપત્યની દષ્ટિએ અજોડ છે. 14 સ્પાન ધરાવતા આર્ચ ટાઈપ બો-સ્ટ્રિંગ સ્ટ્રક્ચર ધરાવતો એલિસબ્રિજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મનપા દ્વારા રૂ.32.40 કરોડના ખર્ચે તેનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. 433.41 મીટરની લંબાઈ ધરાવતા બ્રિજમાં જૂનો ડેક સ્લેબ દૂર કરીને નવો આરસીસી ડેક સ્લેબ તૈયાર કરવામાં આવશે. એલિસબ્રિજની કામગીરી 6 મહિનામાં પૂરી કરવામાં આવશે.

એલિસબ્રિજમાં નાગરિકો માટે વ્યવસ્થા

  • બ્રિજ પર નાગરિકો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન છે.
  • પ્લાન્ટ અને ડેકોરેટિવ લાઈટિંગ કરવાનું મનપાનું આયોજન છે.
  • બ્રિજ પર વોક વે બનાવવામાં આવશે.