Ahmedabad Jama Masjid Wall Collapse: અમદાવાદ શહેરમાં વરસી રહેલા સતત વરસાદને કારણે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદને મોટું નુકસાન પહોંચ્યું છે. વર્ષ 1414માં નિર્મિત અને આશરે 612 વર્ષ જૂની અહેમદશાહ બાદશાહ (જૂની જામા) મસ્જિદની દીવાલનો એક હિસ્સો વહેલી સવારે ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હેરિટેજ ઈમારતને થયું છે.
મોટી હોનારત ટળી, મસ્જિદને નુકસાન
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, જુની જામા મસ્જિદની જે દીવાલ ધરાશાયી થઈ છે તે નશાબંધી અને આબકારી વિભાગની ઓફિસ તરફ આવેલી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે કોઈ મોટી હોનારત સર્જાઈ નથી, પરંતુ ઐતિહાસિક ઈમારતના માળખાને ગંભીર અસર પહોંચી છે. મસ્જિદના સંચાલકોએ ભીતિ વ્યક્ત કરી છે કે જો વરસાદ હજુ પણ ચાલુ રહેશે, તો મસ્જિદના અન્ય હિસ્સાઓને વધુ નુકસાન થઈ શકે છે.
વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ
મસ્જિદના વાઈસ પ્રેસિડેન્ટ ઈસ્માઈલભાઈએ આ ઘટના અંગે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ઐતિહાસિક હેરિટેજ સ્થળ હોવા છતાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગ દ્વારા યોગ્ય મરામત કરવામાં આવી નથી." સંચાલકોનો આક્ષેપ છે કે અગાઉ અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં બંને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.
આગામી રણનીતિ અને રિપેરિંગની માંગ
દીવાલનો એક ભાગ તૂટી પડ્યા બાદ હવે મસ્જિદના બાકીના હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સંચાલકો દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે રજૂઆત કરવા માટે મસ્જિદના સંચાલકો સોમવારે અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગના અધિકારીઓને રૂબરૂ મળીને પોતાની માંગણીઓ રજૂ કરશે. અમદાવાદ જેવી હેરિટેજ સિટીમાં આ પ્રકારે ઐતિહાસિક સ્થાપત્યોનું નુકસાન થવું એ ચિંતાનો વિષય છે.
