Smart Mobility Revolution: અમદાવાદમાં હવે રસ્તા પર કેમેરા કે સેન્સર વગર જ જાણી શકાશે ટ્રાફિક જામ! AMC અને Google Mapsની મેગા પહેલ

અમદાવાદમાં ટ્રાફિક જામ અને અકસ્માતો નિવારવા AMC અને Google Mapsની મોટી પહેલ. રોડ પર કેમેરા કે સેન્સર વગર AI અને લાઇવ ડેટાથી થશે સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ. જાણો વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 21 May 2026 06:05 AM (IST)Updated: Thu, 21 May 2026 06:05 AM (IST)
now-traffic-jams-can-be-detected-on-the-road-in-ahmedabad-without-cameras-or-sensors-mega-initiative-of-amc-and-google-maps

AMC-Google Maps Pilot Project: અમદાવાદ બનશે સ્માર્ટ મોબિલિટી સિટી: ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા AMC અને Google Mapsની મેગા પહેલ, કોઈ કેમેરા કે સેન્સર વગર થશે લાઇવ મોનિટરિંગ

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે ટ્રાફિક મેનેજમેન્ટ ક્ષેત્રે દેશનું મોડેલ સિટી બનવા જઈ રહ્યું છે. શહેરમાં સતત વધતા વાહનોના ભારણ અને ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. AMC દ્વારા Google Mapsના અત્યંત આધુનિક ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ (RMI)નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર અમદાવાદ દેશના અગ્રણી શહેરોમાં સ્થાન પામશે.

રિયલ-ટાઇમ ડેટા અને AIથી રસ્તાઓ થશે સ્માર્ટ

આ આધુનિક પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના માટે શહેરના રસ્તાઓ પર કોઈ પણ પ્રકારના નવા સીસીટીવી કેમેરા, ફિઝિકલ સેન્સર્સ કે અન્ય હાર્ડવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે. ગુગલ મેપ્સનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સના અનામી ડેટાના આધારે ટ્રાફિકનું લાઈવ આકલન કરવામાં આવશે. આ ડેટાને TraffiCure પ્લેટફોર્મ દ્વારા એક સરળ સ્માર્ટ ડેશબોર્ડ અને લાઇવ એલર્ટ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે, જે ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર માટે એક્શનેબલ ટૂલ સાબિત થશે.

naidunia_image

કયા ડેટા પર નજર રખાશે?

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ દ્વારા કોર્પોરેશનને મહત્વની કલાકવાર અને રિયલ-ટાઇમ માહિતીઓ મળશે. જેમાં -

  • રસ્તા પર દોડતા વાહનોની સરેરાશ ગતિ અને ટ્રાવેલ ટાઇમ.
  • વાહનોની ચોક્કસ સંખ્યા અને અચાનક જામ થતા વિસ્તારો.
  • રોડ પર સર્જાતા અકસ્માતો, પાણી ભરાવાની સ્થિતિ, રસ્તા પરના ખાડા કે અન્ય કોઈ અવરોધ અંગેની ત્વરિત વિગતો.

શહેરના આ વ્યસ્ત રૂટ્સ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ

પ્રાથમિક તબક્કે અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા અને કનેક્ટિવિટી માટે મહત્વના એવા નીચેના વિસ્તારોને આ પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવ્યા છે:

  • એસ.જી. હાઇવે (SG Highway)
  • તપોવન સર્કલથી આરટીઓ સર્કલ અને સરદાર પટેલ રિંગ રોડ (SP Ring Road)
  • પરિમલ અંડરપાસથી ગોલ્ડન ટ્રાયએન્ગલ અને શાસ્ત્રીનગર સુધીનો વિસ્તાર
  • ડમરૂ સર્કલથી ગુજરાત હાઇકોર્ટ રોડ
  • 132 ફૂટ રિંગ રોડ પર પકવાન ચાર રસ્તાથી કેશવબાગ
  • દધીચી બ્રિજથી દિલ્હી દરવાજા અને કાલુપુર-અમદુપુરાથી નરોડા
  • એરપોર્ટ રોડથી ઇન્દિરા બ્રિજ સર્કલ
  • ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડથી ઈસનપુર અને ઘોડાસર કેનાલ રોડ
  • નારોલ-નરોડા હાઇવે (BRTS કોરિડોર)
naidunia_image

ટ્રાફિક જામના 'મૂળ કારણ' સુધી પહોંચશે તંત્ર

અત્યાર સુધી માત્ર ટ્રાફિક જામ થયા પછી જ પોલીસ એક્શનમાં આવતી હતી, પરંતુ આ સિસ્ટમથી જામ થવાના મૂળ કારણો શોધી શકાશે. રોડ પર ટ્રાફિક વધવાનું કારણ ખોટો સિગ્નલ ટાઈમિંગ છે, કોઈ ગેરકાયદે દબાણ છે, પાણી ભરાયું છે કે પછી અકસ્માત સર્જાયો છે, તેની સચોટ માહિતી તંત્રને સેકન્ડોમાં મળી જશે.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસને ડેશબોર્ડ દ્વારા લાઇવ એલર્ટ મળતાં જ તેઓ જે-તે લોકેશન પર તાત્કાલિક સ્ટાફ મોકલીને ટ્રાફિક ક્લિયર કરાવી શકશે.

ટ્રાફિકની અસર ખબર પડશે!

ભવિષ્યના માર્ગ આયોજન માટે AMC હવે Machine Learning અને AI સિમ્યુલેશનનો ઉપયોગ કરશે. શહેરમાં નવો ફ્લાયઓવર બનાવવો હોય, કોઈ સિગ્નલમાં ફેરફાર કરવો હોય કે ટેમ્પરરી રોડ ક્લોઝર આપવાનું હોય, ત્યારે તેની આસપાસના ટ્રાફિક પર શું અસર પડશે તેનું ડિજિટલ પરીક્ષણ અગાઉથી જ કરી શકાશે. આ ટેક્નોલોજીથી ખોટા આયોજનો પાછળ થતો કરોડો રૂપિયાનો આર્થિક વ્યય અટકશે.

રોડ સેફ્ટી અને બ્લેક સ્પોટ સુધારણા

અકસ્માતપ્રવણ વિસ્તારો (Black Spots) અને વાહનો જ્યાં અચાનક બ્રેક મારે છે તેવા જોખમી જંક્શનોની ઓળખ કરી શકાશે. ત્યારબાદ તે સ્થળોએ રોડ માર્કિંગ, સાઇનેજ બોર્ડ અથવા રોડ ડિઝાઇનમાં જરૂરી સુધારા કરીને અકસ્માતોનું પ્રમાણ નહિવત કરી શકાશે.

આગામી રોડમેપ

પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ અમદાવાદના તમામ મુખ્ય માર્ગોને આ સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ શહેરને ટ્રાફિક જામ અને અકસ્માતના હોટસ્પોટ્સની સચોટ યાદી મળશે, જેનાથી મુસાફરીનો સમય (Travel Time) ઘટશે. આમ, અમદાવાદ પરંપરાગત કમ્પ્લેઇન-બેઝ્ડ સિસ્ટમમાંથી મુક્ત થઈને સંપૂર્ણ ડેટા-ડ્રિવન સ્માર્ટ સિટી તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે.