Ahmedabad Traffic Management Project: અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભારણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને આધુનિક આયોજન સાથે 104 ટ્રાફિક જંક્શનના યોગ્ય વિકાસ માટે ટોપોગ્રાફિકલ સર્વે ઉપરાંત ભૌગોલિક સર્વેક્ષણ, પેડેસ્ટેરીયન કાઉન્ટ સર્વે, ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ સર્વે, સ્પીડ અને ડીલે સર્વે તેમજ સોફ્ટવેર બેઝ્ડ ટ્રાફિક મુવમેન્ટના એનાલિસિસ જેવા મહત્વપૂર્ણ પાસાને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
કેપ્સ્યુલ ફોર્મ્યુલા અને 76 સ્થળોએ ફ્રી લેફ્ટ ટર્ન
ટ્રાફિક મુવમેન્ટ સુચારુ બનાવવા માટે કેપ્સ્યુલ આકારના જંકશન ડેવલપ કરવામાં આવી રહ્યા છે, જેમાં જંકશનની વચ્ચેનો સીધો કટ અથવા ચોકડી પરનો સીધો રસ્તો કાયમી કે કામચલાઉ બેરિકેડ અથવા આઈલેન્ડ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. આ પદ્ધતિના કારણે ચારે બાજુથી આવતા વાહનો એકબીજા સાથે ટકરાતા નથી અને સિગ્નલ ન હોવાથી વાહનોનો વેઈટિંગ ટાઈમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
શહેરના ઈસનપુર કે કારગીલ જંકશન જેવા વિસ્તારમાં અગાઉ વાહનચાલકોને લાંબો સમય ઊભા રહેવું પડતું હતું, ત્યાં હવે માત્ર બે મિનિટમાં જંકશન ક્રોસ કરી શકાય છે. વાહન ચાલુ રાખીને ઊભા રહેવું પડતું ન હોવાથી મોટા પ્રમાણમાં ઈંધણની પણ બચત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 76 જંકશન ઉપર ફ્રી લેફ્ટ ટર્ન આપવામાં આવ્યા છે, તેમજ સ્પેશિયલ ઝીબ્રા ક્રોસિંગ અને ડેડિકેટેડ પેડેસ્ટેરીયનક્રોસીંગ પણ તૈયાર કર્યા છે.
ઝોન મુજબ ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ
| ઝોન | પ્લાનિંગ | કામ પૂર્ણ | કામ ચાલુ | આયોજન |
|---|---|---|---|---|
| ઉત્તર | 14 | 9 | 0 | 5 |
| દક્ષિણ | 20 | 8 | 2 | 10 |
| પૂર્વ | 14 | 6 | 0 | 8 |
| પશ્ચિમ | 15 | 7 | 0 | 8 |
| ઉત્તર પશ્ચિમ | 21 | 9 | 4 | 8 |
| દક્ષિણ પશ્ચિમ | 7 | 2 | 1 | 4 |
| મધ્ય | 13 | 5 | 3 | 5 |
પીક અવર્સ માટે વિશેષ પોર્ટેબલ સિગ્નલ મુકાશે
અમદાવાદ શહેરમાં પીક અવર્સ દરમિયાન ઓફિસ કે સ્કૂલ-સંસ્થાઓના છૂટવાના સમયે જંકશન બ્લોક થવાની સમસ્યા નિવારવા માટે પોર્ટેબલ સિગ્નલ લગાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ પોર્ટેબલ સિગ્નલ ઓટોમેટિક કે મેન્યુઅલ રિમોટ મોડ દ્વારા સરળતાથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં મદદરૂપ બનશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષના ડિફેકટ લાયાબિલીટી પિરિયડ સાથે રૂપિયા 10 લાખના ખર્ચથી પોર્ટેબલ સિગ્નલ પુરા પાડવા માટે રિ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સોલાર પાવર આધારિત આ એક સોલાર યુનિટની કિંમત આશરે રૂપિયા 1.5 થી 2.5 લાખ સુધીની થાય છે.
