Ahmedabad Traffic and Transportation Update: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત એવા SG હાઈવે (સરખેજ-ગાંધીનગર હાઈવે) પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ઇસ્કોન ચાર રસ્તાથી KD હોસ્પિટલ સુધીના રોડને 'ઝીરો ટોલરન્સ માર્ગ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના કોટા જેવું મોડલ લાગુ કરાશે
વાહનચાલકોને ટ્રાફિકથી મુક્તિ અપાવવા માટે પેલેડિયમ મોલ પાસેના ચાર રસ્તાને સિગ્નલ ફ્રી કરવામાં આવ્યો હતો, જે પ્રયોગ સફળ રહ્યો છે. આ સફળતા બાદ, હવે રાજસ્થાનના કોટા હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરીને આ સમગ્ર માર્ગને સિગ્નલ ફ્રી બનાવવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
ટ્રાફિક DCP નરેશ કણઝરીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આ અભિયાન માત્ર દબાણ હટાવવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેનો મુખ્ય આશય આ રસ્તા પર ટ્રાફિકનો સતત ફ્લો જાળવી રાખવાનો અને તેને સિગ્નલ ફ્રી કરવાનો છે. આગામી સમયમાં આ સફળ મોડલને વિશાલા સર્કલ સુધી લંબાવવાનું પણ આયોજન છે.
ઝીરો ટોલરન્સ ઝોનમાં કેવા હશે નિયમો?
આ ઝીરો ટોલરન્સ ઝોન (Zero Tolerance Zone) હેઠળ રસ્તા પર દબાણો, નો-પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને સિગ્નલ ભંગ કરનારાઓ સામે CCTV કેમેરાની મદદથી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વાહનચાલકોએ નીચે મુજબના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે:
- સ્પીડ લિમિટનું પાલન: સિગ્નલ ફ્રી રોડ હોવા છતાં વાહનો માટે સ્પીડ લિમિટનું પાલન ફરજિયાત રહેશે
- CCTV કેમેરાથી નજર: ઓવર સ્પીડમાં વાહન હંકારનારાઓ કેમેરામાં કેદ થઈ જશે.
- નો-પાર્કિંગ દંડ: નો-પાર્કિંગ ઝોનમાં એક મિનિટ માટે પણ વાહન ઊભું રાખવા પર દંડ અથવા તો વાહન ટોઇંગ કરવાની કાર્યવાહી થશે.
- અધિકૃત પાર્કિંગનો ઉપયોગ: શોરૂમ કે હોસ્પિટલમાં આવનારા મુલાકાતીઓ માત્ર અધિકૃત પાર્કિંગનો જ ઉપયોગ કરી શકશે.
- મુસાફરોને ઉતારવા પર મનાઈ: રસ્તાની વચ્ચે અચાનક વાહન ઊભું રાખીને મુસાફરોને ઉતારવા કે બેસાડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની નાગરિકોને ચેતવણી: ચોમાસામાં 25 અંડરબ્રિજ બંધ રહેશે, જુઓ લિસ્ટ
વાહનચાલકોને શું ફાયદો થશે?
રાજસ્થાનના કોટા હાઈવે મોડલ પ્રમાણે, વાહનોની ગતિ અને દબાણના આધારે લેનનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવશે. જેના પરિણામ સ્વરૂપ પિકઅવર્સમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે નહીં. આ નવી વ્યવસ્થાથી વાહનચાલકોના સમય અને ઈંધણની મોટી બચત થશે અને સાથે જ અકસ્માતોનું જોખમ પણ ઘટશે.
