Ahmedabad Balolnagar bridge accident: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારનો બલોલનગર રેલવે ઓવરબ્રિજ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગઈકાલ 14 મે, ગુરુવારે મોડી રાત્રે બ્રિજ પરથી પસાર થતા એક યુવાનનું બાઈક વળાંક પર ડિવાઈડર સાથે અથડાયું હતું. જેમાં બ્રિજ પરથી નીચે પડતા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
વળાંક પર ડિવાઈડર અથડાયું બાઈક
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાણીપના ગણેશ પ્લાઝામાં રહેતા અને ગાંધીનગરની એક કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ પંચાલ મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યા હતા. બલોલનગર બ્રિજ પર વળાંક પાસે બેલેન્સ ન રહેતા બાઈક સીધું જ ડિવાઇડર સાથે અથડાયું હતું.
બ્રિજ પરથી ઉછળીને નીચે પટકાયો યુવક
આ ટક્કર એટલી ગંભીર હતી કે અતુલભાઈ ઉછળીને સીધા બ્રિજની નીચે પટકાયા હતા, જેના કારણે તેમના માથાના અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પાડોશીએ મૃતકના ભાઈ મહેશને આ અકસ્માત અંગે જાણ કરી હતી, જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ રાત્રે જ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ મૃતક અતુલભાઈ વિરુદ્ધ જ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે, છેલ્લા 10 દિવસમાં આ બ્રિજ સમાન અકસ્માતની આ બીજી ઘટના છે.
આ પણ વાંચો: અમદાવાદના ઝુંડાલમાં રક્તરંજીત ખેલ: માસી સાથેના આડા સંબંધની અદાવતમાં ભાણિયાએ યુવકની કરી હત્યા
છેલ્લા 10 દિવસમાં આવો જ બીજો બનાવ
આ કરુણ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નોંધનીય છે કે, અગાઉ 7 મેના રોજ પણ આ જ વળાંક પાસે બેલેન્સ ગુમાવતા એક બાઈક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી નીચે પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
આ રેલવે ઓવરબ્રિજ પર વળાંક અત્યંત જોખમી છે, અને લોકો ત્યાં પૂરપાટ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે. આટલુ જોખમ હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં કોઈ સેફટી ગાર્ડ કે નોઈસ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે વધુ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
