Ahmedabad: નિકોલમાં દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો, પથ્થરમારો કરી ગાડીના કાચ તોડ્યા

પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 15 May 2026 10:04 AM (IST)Updated: Fri, 15 May 2026 10:04 AM (IST)
amc-estate-team-attacked-in-nikol-during-ahmedabad-anti-encroachment-drive
HIGHLIGHTS
  • નિકોલમાં મનપાની ટીમ પર હુમલો
  • દબાણ હટાવવા દરમિયાન ઘટના

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નિકોલ વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચેલી એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લારી-ગલ્લાવાળાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

AMC ટીમે દબાણ હટાવતા મામલો બિચક્યો

માહિતી અનુસાર, અમદાવાદના રોડ-રસ્તા પર સાંજના સમયે પાથરણાવાળા અને શાકભાજીની લારીઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સાંજે 6.30 વાગ્યાની આસપાસ પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ નિકોલ વિસ્તારમાં દબાણ દૂર કરી રહી હતી.

naidunia_image

શાકભાજી વેચતી મહિલાઓ દંડા લઈને આવી  

મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર, નિકોલ ગામ, ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ યોજના સુધીના રોડ પર જ્યારે એસ્ટેટની ટીમે રોડ પર દબાણ કરતી લારીઓ અને પાથરણાવાળાઓને સામાન સાથે ઉપાડી લેવાની શરૂઆત કરી હતી. ત્યારે શાકભાજી વેચતી મહિલાઓ હાથમાં દંડા લઈને આવી પહોંચી હતી. વધુમાં, તેમણે એસ્ટેટ વિભાગના કર્મચારીઓને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

naidunia_image

એન્ફોર્સમેન્ટ ટીમની ગાડી પર પથ્થરમારો થયો

લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થાનિક લારી-ગલ્લાવાળાઓએ પથ્થરમારો કરીને એન્ફોર્સમેન્ટ ટીમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, હુમલાખોરો કર્મચારીઓ બેઠા હતા તે ગાડીની આગળ આવીને ઉભા રહી ગયા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.

AMCની લાલ આંખ, પોલીસ ફરિયાદની ચેતવણી 

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એસ્ટેટ વિભાગે કડક ચેતવણી આપતા જણાવ્યું કે, જો કોઈ કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે સરકારી કામમાં રૂકાવટ કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવના પગલાં લેવામાં આવશે.

આ ઘટના બાદ અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગે વધુ કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાંથી દબાણો દૂર કરવાની આ કડક ઝુંબેશ સતત ચાલુ જ રહેશે. હવે સાંજના સમયે મુખ્ય રોડ પર ક્યાંય પણ લારીઓ કે અન્ય દબાણ દેખાશે તો તેને દૂર કરવાની કાર્યવાહી કરાશે.