Ahmedabad Advance Property Tax Rebate Scheme: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિયમિતપણે સમયસર મિલકતવેરો ભરતા આદર્શ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026-27 માટે 12 ટકા થી 15 ટકા સુધીની 'એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ સ્કીમ' જાહેર કરવામાં આવી છે. તા. 9 એપ્રિલ 2026થી અમલમાં આવેલી આ સ્કીમને શહેરના કરદાતાઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.
તા. 13 મે 2026ના રોજ સાંજના 6:15 વાગ્યા સુધીમાં કુલ 13,032 કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરી સ્કીમનો લાભ લીધો છે. જે પેટે માત્ર એક જ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 15.34 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
9 એપ્રિલ 2026થી 13 મે 2026 સુધીમાં શહેરના કુલ 5,29,324 કરદાતાઓએ આ સ્કીમ હેઠળ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે. તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ રૂ.55.95 કરોડ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ પેટે અત્યારસુધી કોર્પોરેશનને રૂ.527.75 કરોડની આવક થઈ છે.
શહેરના તમામ સાત ઝોનમાં કરદાતાઓ દ્વારા એડવાન્સ ટેક્સ ભરવામાં ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 1,29,863 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો છે. તેઓને AMC દ્વારા કુલ રૂ. 14.26 કરોડ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ તરફ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ 1,21,570 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરતા તેઓને રૂ.14.30 કરોડ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય, પૂર્વ ઝોનમાં 70,281 તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 64,690 કરદાતાઓએ સ્કીમનો લાભ લીધો છે.
તે ઉપરાંત મધ્ય ઝોનમાંથી 49,087, દક્ષિણ ઝોનમાંથી 49,136 તથા ઉત્તર ઝોનમાંથી 44,697 કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરદાતાઓને સમયસર ટેક્સ ભરવા માટે વિવિધ ડિજિટલ અને ઓફલાઇન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. AMCએ શહેરના તમામ કરદાતાઓને તા. 31 મે 2026 સુધી અમલમાં રહેલી આ રીબેટ સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
