Surat: સુરત શહેરમાં મોબાઇલ સ્નેચિંગના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બાઈક સવાર સ્નેચરો આંખના પલકારામાં લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ જતા હોય છે. જેના પગલે લોકોને જાગૃત કરવા માટે ખુદ પોલીસની ટીમ હવે સ્નેચર બનીને રસ્તા પર ઉતરી હતી. જેમાં મોબાઈલ સ્નેચિંગનો લાઈવ ડેમો યોજી લોકોને જાગૃત કર્યાં હતા.
પોલીસ દ્વારા આ પ્રેક્ટિકલ ડેમો દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, મોબાઈલ સ્નેચરો કેવી રીતે પળવારમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને રફુચક્કર થઈ જાય છે, સ્નેચરો ભાગવા માટે કેવા-કેવા રસ્તાઓ પસંદ કરે છે? આ કામગીરી સાથે પોલીસે સામાન્ય જનતાને પણ સુરક્ષાના પાઠ ભણાવ્યા છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જાહેર માર્ગો પર ચાલતી વખતે કે રિક્ષામાં મુસાફરી કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવામાં વિશેષ સાવચેતી રાખવી. ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાએ અથવા તો સૂમસામ રસ્તા પર મોબાઈલ પર વાત કરતી વખતે આજુબાજુની હિલચાલ પ્રત્યે સજાગ રહેવું અત્યંત જરૂરી છે.
આ અંગે મીનાબા ઝાલાએ જણાવ્યું કે, જયારે અમે પેટ્રોલિંગમાં હોઈએ ત્યારે અમારા ધ્યાનમાં આવે છે કે, લોકો પોતાના કાનની નીચે મોબાઈલ ફોન દબાવીને વાત કરતા જતા હોય છે. આ ઉપરાંત બેદરકારી પૂર્વક રસ્તા પર નીકળતા હોય છે અને તેઓની આસપાસ શું થઇ રહ્યું છે, તેનો ખ્યાલ તેઓને હોતો નથી.
Surat: લસકાણા પોલીસ સ્નેચર બની, મોબાઈલ સ્નેચિંગનો LIVE ડેમો કરી લોકોને જાગૃત કર્યાં; જુઓ VIDEO #Surat #SuratPolice #MobileSnatching #MobileSnatcher #LiveDemo pic.twitter.com/Js0J9GQcFQ
— Gujarati Jagran (@gujaratijagran) May 14, 2026
આથી ડેમોમાં બતાવ્યું તેમ સ્નેચરો આરામથી આવી રીતે મોબાઈલ સ્નેચિંગ કરીને જતા રહે છે એટલે લોકોમાં જાગૃત આવે તે માટે આ લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો મોબાઈલ એ રીતે પકડે કે સ્નેચરો સ્નેચીગ ન કરી શકે,
વધુમાં જણાવ્યું હતું કે, આ ડેમો દ્વારા અમે એ પણ જોયું કે જયારે મોબાઈલ સ્નેચરો સ્નેચિંગ કરીને લઇ જાય, ત્યારે આસપાસના કોઈ લોકો નોટીસ પણ કરતા નથી અને મદદ કરવાનો પ્રયત્ન પણ કરતા નથી. આથી જનતા અપીલ છે કે, ક્યારેય આવો બનાવ બને ત્યારે વાહનોના નંબર નોંધી લે તેમજ તેનો પીછો કરવાનો પણ પ્રયત્ન કરે, થોડી સાવચેતી રખીએ તો સ્નેચરોને મોબાઈલ સ્નેચિંગ કરવાનો મોકો પણ ન મળે અને સ્નેચીગથી બચી શકીએ.
