Gandhinagar: હાલના સમયે અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સંકટને જોતા વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરવામાં આવી છે. જેના પગલે ગુજરાત સચિવાલયમાં પણ 'વર્ક ફ્રોમ હોમ' અને '5 ડેઝ વીક'ને અમલમાં મૂકવાની માંગ ઉઠી છે.
ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત
હકીકતમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન સાથે આશરે 2500 જેટલા કર્મચારીઓ સંકળાયેલા છે. જેના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, PM મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિક્તા આપવા માટે અપીલ કરી છે. આથી વર્તમાન વૈશ્વિક કટોકટી અને ઈંધણ બચતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ આ દિશામાં યોગ્ય પગલા ભરવા જોઈએ.
અગાઉ કોરોના કાળમાં સકારાત્મક પરિણામો મળ્યા હતા
ગુજરાત સચિવાલયમાં દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અવર-જવર કરતાં હોવાથી ટ્રાફિકનો બોજ વધવાની સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ વધે છે. અગાઉ કોરોના કાળ દરમિયાન ઈ-ઑફિસ, વીડિયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ મિટિંગ જેવી સિસ્ટમ અમલમાં મૂકાઈ હતી, ત્યારે તેના સકારાત્મક પરિણામો મળ્યા હતા.
આથી સચિવાલયના કર્મચારીઓ માટે 'હાઈબ્રિડ વર્ક મોડલ' શરૂ કરવું, 5 ડેઝ વીક અમલમાં મૂકવા તેમજ રોટેશન પ્રમાણે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
જેનાથી માત્ર પેટ્રોલ-ડીઝલમાં બચત થવાની સાથે જ ટ્રાફિકમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ, સમયની બચત, ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો જેવા સકારાત્મક પરિણામો મળશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં કાપ મૂક્યો
PM મોદીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોન્વોય મોટર કારોના કાફલામાં કાપ મૂક્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે મુખ્યમંત્રી અમરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે માત્ર 3 કાર સાથે જ પહોંચ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સિવાય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ શ્રમ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ ઈમરજન્સી સ્થિતિ સિવાય પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે.
