Kutch News: કચ્છના રણપ્રદેશમાં પશુપાલકો માટે ઊંટડીનું દૂધ હવે આર્થિક સમૃદ્ધિનું 'સફેદ સોનું' સાબિત થઈ રહ્યું છે. જે દૂધ અગાઉ પાણીના ભાવે વેચાતું હતું, તેને ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી હવે પ્રતિ લિટર રૂ. 55 સુધીનો ભાવ મળી રહ્યો છે.
વૈજ્ઞાનિક રીતે 'સુપરફૂડ' ગણાતા આ દૂધના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગને કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં એક નવી શ્વેતક્રાંતિનો ઉદય થયો છે.
કચ્છના રણમાં ઊંટ પાલન પર નભતા પરિવારોની આજીવિકાનું ચિત્ર બદલાયું
સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થિત સાંકળ ઊભી કરાતા, પશુપાલકોને પ્રતિ લિટર રૂ. 50 થી રૂ. 55 સુધીનું સીધું ચુકવણું કરવામાં આવે છે. આ સુદ્રઢ વ્યવસ્થાને કારણે પશુપાલકોને અનિશ્ચિત વેચાણ અને વિલંબિત પેમેન્ટની વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળી છે.
ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી, પરંતુ તેનું મૂલ્યવર્ધન (Value Addition) કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે.
વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.50% નો નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગત વર્ષના રૂ. 8.72 કરોડની સામે આ વર્ષે પશુપાલકોને કુલ રૂ. 9.60 કરોડનું માતબર પેમેન્ટ કરવામાં આવ્યું છે.
ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે. સરકારી પ્રોત્સાહન અને લોન સહાયના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે. વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા ઊંટપાલન હવે એક નફાકારક વ્યવસાય બનતા, કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેતક્રાંતિમાં જોડાઈ રહ્યો છે.
