VIDEO: કડિયાળી ગામમાં અચાનક સિંહ સામે આવી જતાં જીવ બચાવવા યુવકે મુઠ્ઠીવાળી દોટ મૂકી, રૂંવાડા ઉભા કરતાં દ્રશ્યો CCTVમાં કેદ

નસીબ જોગે સિંહનું ધ્યાન શિકાર પર હોવાથી તેમજ યુવકની સતર્કતાના કારણે મોટી હોનારત ટળી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 May 2026 04:11 PM (IST)Updated: Thu, 14 May 2026 04:11 PM (IST)
amreli-news-young-man-ran-to-save-life-when-lion-appeared-in-front-of-him-in-kadiali-village-of-jafrabad-watch-video
HIGHLIGHTS
  • વન વિભાગ દ્વારા નિયમિત અને અસરકાર પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠી

Amreli Lion Video: ગીર અને બૃહદ ગીર વિસ્તારની આસપાસના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય બની ગયા છે, પરંતુ ક્યારેક વનરાજા સાથે અચાનક થતો આમનો-સામનો લોકોના જીવ તાળવે ચોંટાડી દે છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા કડિયાળી ગામમાંથી આવી જ એક દિલધડક ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના અંધકારમાં એક યુવકનો સિંહ સાથે ભેટો થઈ જતાં તેણે જીવ બચાવવા ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.

અંધારામાં સામેથી ડાલામથ્થો સિંહ આવી ચડતાં યુવકના હોશ ઉડ્યા

કડિયાળી ગામમાં રહેતો યુવક રાતના સમયે સાંકડી ગલીમાં અંધારા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અચાનક અંધારાને ચીરીને સામેથી ડાલામથ્થો સિંહ આવી ચડ્યો હતો. જંગલના રાજાને અચાનક પોતાની નજર સામે જોઈને યુવકના હોશ ઉડી ગયા હતા.

સદ્દનસીબે યુવકે સમયસૂચકતા વાપીને તરત જ જીવ બચાવવા માટે પાછળની તરફ દોટ મૂકી હતી. મોડી રાતે જીવ સટોસટની આ રોમાંચક અને ડરામણી ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કડિયાળી ગામમાં સિંહોના કાયમી ધામાથી ગ્રામજનોમાં દહેશત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કડિયાળી ગામમાં સિંહોની હાજરી નિયમિત જોવા મળી રહી છે. શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતા હોવાની આ પ્રથમ ઘટના નથી. કડિયાળી ગામની શેરીઓમાં સિંહો બિન્દાસ્ત વિહરતા હોય તેવા અનેક CCTV અને મોબાઈલ વીડિયો ફૂટેજ અગાઉ અનેકવાર વાયરલ થઈ ચૂક્યા છે. આમ ગામમાં સિંહોના કાયમી ધામાના પગલે સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.