Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર પર્યાવરણની જાળવણી અને ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) ના ઉપયોગમાં કરકસર કરવાની અપીલ કરવામાં આવી છે. આ અપીલને ગંભીરતાથી લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે 'ગ્રીન ટ્રાન્સપોર્ટ' તરફ વળ્યું છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ શહેરના ભાવિ આયોજન અંગે મહત્વની વિગતો જાહેર કરતા જણાવ્યું કે, વહીવટીતંત્ર હવે ખર્ચાળ અને પ્રદૂષણ ફેલાવતા ઇંધણનો વપરાશ ઘટાડવા કટિબદ્ધ છે.
ઇંધણની કરકસર માટે વાહનોનું CNG માં રૂપાંતરણ
વડાપ્રધાનના ઇંધણ બચાવવાના અભિયાનને વેગ આપવા માટે કમિશનરે જાહેરાત કરી છે કે, કોર્પોરેશનના હાલના જે વાહનો પેટ્રોલ કે ડીઝલ પર ચાલે છે, તેને તબક્કાવાર CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) માં કન્વર્ટ કરવામાં આવશે. આ નિર્ણયથી ઇંધણના ખર્ચમાં ઘટાડો થવાની સાથે વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ પણ ઘટશે.
ભવિષ્યની તમામ ખરીદીમાં ઈ-વ્હીકલને પ્રાધાન્ય
કમિશનરે પરિવહન નીતિમાં મોટો ફેરફાર કરતા જણાવ્યું કે, આવનાર દિવસોમાં કોર્પોરેશનના અધિકારીઓ માટે ખાસ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવશે. હવે પછી જ્યારે પણ કોર્પોરેશન દ્વારા નવા વાહનો ખરીદવામાં આવશે, ત્યારે ઈ-વ્હીકલ (EV) ને જ પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ પગલું પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે લેવાયું છે.
શહેરમાં ઈ-બસ સેવા અને ચાર્જિંગ નેટવર્ક
વડોદરાના જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. કમિશનરે ખાતરી આપી છે કે, આગામી છ મહિનાની અંદર વડોદરાવાસીઓ માટે ઈ-બસ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે.
હાલમાં 40 બસ એકસાથે ચાર્જ થઈ શકે તેવી ક્ષમતા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે. ગોત્રી વિસ્તારની સાથે હવે નિઝામપુરામાં પણ ચાર્જિંગ સ્ટેશન તૈયાર થવાના આરે છે, જેથી ઈ-બસના સંચાલનમાં કોઈ અવરોધ ન આવે.
ઊર્જા બચત માટે કચેરીઓને સૂચના
માત્ર વાહનો જ નહીં, પરંતુ સરકારી કચેરીઓમાં પણ વીજળી અને ઉર્જાની બચત થાય તે માટે કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. વડાપ્રધાનની 'મિશન લાઈફ' અંતર્ગત સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.
આ અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, વડાપ્રધાનની પેટ્રોલ અને ઇંધણ બચાવવાની અપીલએ માત્ર સૂચન નથી પણ સમયની માંગ છે. અમે વડોદરાને ઈ-મોબિલિટીના નકશા પર અગ્રેસર કરવા માંગીએ છીએ. આમ, વડોદરા કોર્પોરેશનના આ નિર્ણયોથી શહેર વધુ સ્વચ્છ, હરિયાળું અને ઇંધણની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે.
