Ambalal Patel, Gujarat Weather Forecast: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં વહેલી સવારથી જ ગરમીનું તીવ્ર આક્રમણ અનુભવાઈ રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
ગુજરાતમાં 23 થી 28 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 16 મે બાદ આકરી ગરમીમાંથી રાહત મળશે. 17 થી 20 મે વચ્ચે આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું આવી જતાં 23 મે સુધીમાં ભારે વરસાદની શક્યતા રહેશે. જે બાદ 25 મેની આસપાસ દક્ષિણ ભારતના કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે.
જો ગુજરાતની વાત કરીએ તો, હાલ ઘણાં ભાગોમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. આથી આગામી 19 મેની આસપાસ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની શક્યતા છે. 20 મેથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સક્રિયતા વધશે. જો અરબી સમુદ્રમાં ચક્રવાત બને, તો વરસાદ વહેલો આવે અને ચોમાસાને ખોરવી પણ શકે છે.
જો ચોમાસામાં રોહિણી નક્ષત્ર ઉતરતાં વરસાદ થાય તો ચોમાસું સારું આવશે. જો કે 8મી જૂનથી દરિયામાં પવન બદલાઈ રહ્યો હોવાથી 8 થી 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. ગુજરાતમાં ખરું ચોમાસું 23 થી 28 જૂનની વચ્ચે આવવાની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે
આગામી 23 થી 28 જૂન વચ્ચે જો વાવાઝોડું આવે, તો વરસાદ ખેંચાઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદમાં વધ-ઘટ રહી શકે છે.
જુલાઈ મહિના અંગે જોઈએ તો, સૌરાષ્ટ્રમાં 7 જુલાઈ બાદ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 20 જુલાઈ બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ખેંચાવાની શક્યતા રહેશે. જે બાદ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે.
