વડોદરાના આંગણે ઈતિહાસ રચાયોઃ દેશનું પ્રથમ 'મેડ ઈન ઈન્ડિયા' C-295 લશ્કરી વિમાન તૈયાર, સપ્ટેમ્બરમાં વાયુસેનાને સોંપાશે

ભારત અને સ્પેન વચ્ચે 56 વિમાનનો કરાર થયો હતો. જે પૈકી 16 વિમાન સ્પેનથી તૈયાર લાવવામાં આવશે, જ્યારે બાકીના 40 વડોદરા સ્થિત ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL)ના પ્લાન્ટમાં બનશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 10:13 PM (IST)Updated: Wed, 13 May 2026 10:13 PM (IST)
vadodara-news-countrys-first-made-in-india-c-295-military-aircraft-ready-to-be-handed-over-to-air-force-in-september
HIGHLIGHTS
  • C-295 એરક્રાફ્ટ 'એવરો-748' વિમાનનું સ્થાન લેશે

Vadodara: ભારતની સંરક્ષણ ક્ષમતામાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. સ્પેન અને ભારત વચ્ચે થયેલા 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના કરાર હેઠળ વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) ના પ્લાન્ટમાં પ્રથમ વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. આ સાથે જ ભારત હવે લશ્કરી વિમાનોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે.

PM મોદીના હસ્તે ઉદઘાટન થયું હતું

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. આ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે સેના માટે વિમાન બનાવી રહી છે. કરાર મુજબ, કુલ 56 વિમાનોમાંથી 16 સ્પેનથી તૈયાર લાવવામાં આવશે. જ્યારે બાકીના 40 વિમાનો વડોદરાના આ પ્લાન્ટમાં બનાવવામાં આવશે.

સપ્ટેમ્બરમાં વાયુસેનાને સોંપાશે

વડોદરામાં તૈયાર થયેલા આ પ્રથમ એરક્રાફ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાજપ શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ પુષ્ટિ કરી છે કે, વિમાનનું પ્રાથમિક કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું પરીક્ષણ (ટેસ્ટિંગ) શરૂ કરવામાં આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં આ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવે તેવી શક્યતા છે.

C-295 એરક્રાફ્ટની વિશેષતાઓ

આ વિમાન ભારતીય વાયુસેનાના જૂના થઈ ગયેલા 'એવરો-748' વિમાનોનું સ્થાન લેશે. તેની ક્ષમતા અને ખાસિયતો નીચે મુજબ છે:

  • ક્ષમતા: 5-10 ટન વજન ઉંચકવાની ક્ષમતા સાથે તે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને લઈ જઈ શકે છે.
  • ઉડાન: તમામ હવામાનમાં 11 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે.
  • ઝડપ અને રેન્જ: મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપ અને આશરે 5000 કિમીની ફેરી રેન્જ ધરાવે છે.
  • બહુમુખી ઉપયોગ: તે રણથી લઈને દરિયાઈ સીમાઓ સુધી દિવસ-રાત ઓપરેશન કરવા સક્ષમ છે.

સૈનિકો, હથિયારો અને ઈંધણના પરિવહન માટે આ વિમાન વાયુસેના માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ખાનગી ક્ષેત્ર દ્વારા સેના માટે વિમાન બનાવવાની આ સિદ્ધિ વડોદરા અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે.