વડોદરા રેલવે સુરક્ષા દળની માનવતાઃ 'ઑપરેશન અનામત' હેઠળ રશિયન મહિલાનો રૂ.3.60 લાખનો સામાન પરત અપાવ્યો

રશિયન નાગરિક લાકોવલેવા લ્યુબોવ મડગાંવ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરતી હતી, ત્યારે પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 09:22 PM (IST)Updated: Wed, 13 May 2026 11:10 PM (IST)
vadodara-news-russian-womans-belongings-worth-rs-3-60-lakh-returned-under-operation-anamat
HIGHLIGHTS
  • કિંમતી સામાન અને અગત્યના ડોક્યુમેન્ટ મળતા રશિયન મહિલા ભાવુક થઈ ગયા
  • રશિયન મુસાફરે વડોદરા RPFનો હ્રદયપૂર્વક આભાર માન્યો

Vadodara: પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના રેલવે સુરક્ષા દળ (RPF) એ ફરી એકવાર પોતાની સતર્કતા અને પ્રામાણિકતાનો પરિચય આપ્યો છે. 'ઓપરેશન અમાનત' અંતર્ગત આરપીએફની ટીમે મડગાંવ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક વિદેશી મહિલાનો લાખોની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત કરી માનવતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ માહિતી આપતા જણાવ્યું કે, મુસાફરો ઘણીવાર ઉતાવળમાં અથવા અન્ય કારણોસર ટ્રેનમાં પોતાનો સામાન ભૂલી જતા હોય છે. વડોદરા ડિવિઝન આરપીએફ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં કેટલોક સામાન બિનવારસી હાલતમાં છે.

માહિતી મળતાની સાથે જ સહાયક સબ-ઇન્સ્પેક્ટર મૂળચંદ વર્મા અને મહિલા કોન્સ્ટેબલ અંજુ યાદવ તાત્કાલિક ટ્રેનના કોચમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન તેમને ત્યાં કિંમતી વસ્તુઓ ભરેલી બેગ અને અન્ય સામાન મળી આવ્યો હતો, જે કોઈ મુસાફર ભૂલથી છોડી ગયો હતો.

દસ્તાવેજોની ચકાસણી બાદ સામાન સોંપાયો

થોડા સમય બાદ, રશિયન નાગરિક લાકોવલેવા લ્યુબોવ રેલ્વે પ્રોટેક્શન ફોર્સની પોસ્ટ પર આવી પહોંચ્યા હતા. RPFની ટીમે તેમની મુસાફરી ટિકિટ અને પાસપોર્ટની સંપૂર્ણ ચકાસણી કરી હતી. દસ્તાવેજો સાચા જણાતા, મહિલાને તેમનો તમામ સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો.

મુસાફરના જણાવ્યા મુજબ, પરત કરવામાં આવેલા સામાનની અંદાજિત કિંમત રૂ. 3,60,000 હતી. જેમાં 03 નંગ લેપટોપ, 04 નંગ લગેજ બેગ, 02 નંગ ડોગ કાર્ટન બોક્સ નો સમાવેશ થતો હતો

વિદેશી મુસાફર ભાવુક થયા

પોતાનો કિંમતી સામાન અને મહત્વના દસ્તાવેજો પરત મળતા રશિયન પ્રવાસી ભાવુક થઈ ગયા હતા. તેમણે વડોદરા RPF ટીમની ત્વરિત કામગીરી અને પ્રામાણિકતાની પ્રશંસા કરતા હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

વડોદરા રેલવે વિભાગની આ કામગીરીથી મુસાફરોમાં રેલવે પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 'ઓપરેશન અમાનત' દ્વારા રેલવે સુરક્ષા દળ સતત મુસાફરોની સેવા અને સુરક્ષા માટે કાર્યરત છે, જેનું આ એક જીવંત ઉદાહરણ છે.