Vadodara News:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવેલી ખાસ અપીલ બાદ વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકા તંત્રે હવે લાલ આંખ કરી છે. જાહેરમાં કચરો ફેંકનારા અને સ્વચ્છતાના નિયમોનો અનાદર કરનારા નાગરિકો તેમજ વેપારીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરાને ‘ક્લીન અને ગ્રીન’ બનાવવાના હેતુથી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. ૨૫.૮૯ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે માત્ર નાણાકીય દંડ કરીને સંતોષ નથી માન્યો, પરંતુ વારંવાર ગંદકી કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ૨૦ જેટલા દુકાનદારો અને વેપારી એકમોની દુકાનોને પણ સ્થળ પર જ સીલ કરી દીધી છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે માત્ર દંડ વસૂલીને છોડી દેવામાં નહીં આવે. જો સતત ગંદકી ફેલાવવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ કે સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી (લીગલ એક્શન) કરવાની તૈયારી પણ VMC દ્વારા કરી લેવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ તમામ શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી છે કે તેઓ જાહેરમાં કે રસ્તાઓ પર કચરો નાખવાની ટેવ છોડી દે. પોતાના ઘર અને વ્યવસાયિક એકમોનો કચરો માત્ર પાલિકાના ડોર-ટુ-ડોર કચરા વાહનોમાં જ આપે. શહેરમાં સ્વચ્છતા જાળવવામાં સહયોગ નહીં આપનારા સામે આવનારા દિવસોમાં આ ચેકિંગ અને દંડની ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે.
