Vadodara News:આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. VVIP વિઝિટની પૂર્વ તૈયારીઓ અંતર્ગત પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિપક્ષના નેતા અને સંબંધિત અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ૭ દિવસ સુધી આખા શહેરમાં વ્યાપક સ્તરે સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાત દિવસીય વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજબરોજના કાર્યક્રમોની સુંદર રૂપરેખા નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, અભિયાનના પ્રથમ દિવસે 1 સપ્ટેમ્બરે ઉત્તર અને અન્ય ઝોન અંતર્ગત કમલાનગર તળાવ તથા આસપાસના માર્ગોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. 2 સપ્ટેમ્બરે શહેરની તમામ આંગણવાડીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં વિશેષ સેનિટાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યારે 3 સપ્ટેમ્બરે ઐતિહાસિક ગોરવા વાવની વિશેષ સાફ-સફાઈ કરવાનું આયોજન કરાયું છે.
શહેરમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવા માટે ૪ સપ્ટેમ્બરે માંજલપુર વિસ્તારમાં ભવ્ય સાયકલ યાત્રા યોજાશે, જેમાં અંદાજે એક હજાર જેટલા સાયકલ સવારો જોડાશે. ૫ સપ્ટેમ્બરે ગોત્રી તળાવ પરિસરમાં અને ૬ સપ્ટેમ્બરે શહેરના નામાંકિત મંદિરો તથા તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. ત્યારબાદ ૭ સપ્ટેમ્બરે અંદાજે ૩ થી ૪ હજાર નાગરિકોની ઉપસ્થિતિમાં એક વિશાળ પદયાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપી ભજન અને ડાયરાના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
સ્વચ્છતાની સાથે-સાથે જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ચારેય ઝોનમાં વોર્ડવાઈઝ 'સેવા સેતુ' કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગરીબો માટેની સહાય, વડીલો માટેની યોજનાઓ, આયુષ્માન ભારત યોજના તેમજ સગર્ભા માતાઓ અને યુવાનો માટેની કેન્દ્ર-રાજ્ય સરકારની તમામ સ્પોન્સર્ડ યોજનાઓ 'સેચ્યુરેશન એપ્રોચ'ના ધોરણે એક જ છત્ર હેઠળ પૂરી પાડવામાં આવશે.
આ સપ્તાહના અંતિમ ચરણમાં એટલે કે 8 સપ્ટેમ્બરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા VMCના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 'ઓન ઈન્વાઈટ અને ઓન રજીસ્ટ્રેશન ઓન્લી' ધોરણે યોજાશે, જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ આયોજનોને સફળ બનાવવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ ખાનગી NGO અને જાહેર જનતાને પણ ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી સહિયારા પ્રયાસોથી વડાપ્રધાનના સ્વાગત માટે અદભૂત અને સ્વચ્છ માહોલ ઊભો કરી શકાય.
