Kutch Pakistani Fishermen Arrested: સીમા સુરક્ષા બળ (BSF) દ્વારા કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક વિશેષ ઓપરેશન હાથ ધરીને 4 પાકિસ્તાની માછીમારોની અટકાયત કરવામાં આવી છે. માછીમારો રવિવારે સર ક્રીકના કાદવ-કીચડવાળા વિસ્તારમાંથી કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યા હતા.
ગુપ્તચર માહિતીના આધારે BSF દ્વારા ચલાવવામાં આવેલા આ ખાસ અભિયાન દરમિયાન તેમની માછીમારીની બોટ પણ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના 'ચાચ જાન ખાન' ગામના વતની છે, જેમની સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા આગળની સઘન પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
ઈરાદા અંગે પૂછપરછ અને તપાસ શરૂ
BSF દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર, પકડાયેલા 4 પાકિસ્તાની માછીમારોની ઓળખ કાદિર થૈમોર, મુહમ્મદ મૂસા, અસગર થૈમોર અને અહસાન જટ તરીકે થઈ છે. આ તમામ માછીમારો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશી ચૂક્યા હતા, ત્યારે જ BSF જવાનોએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. સુરક્ષા એજન્સીઓ હાલ એ બાબતની તપાસ કરી રહી છે કે તેઓ માત્ર માછીમારીના હેતુથી આવ્યા હતા કે પછી તેમની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ ઈરાદો હતો.
સંવેદનશીલ વિસ્તાર સર ક્રીક કેવો છે?
સર ક્રીક એ કચ્છના રણમાં આવેલી એક સાંકડી ખાડી છે, જે ગુજરાત અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તાર વચ્ચે સ્થિત છે. આ વિસ્તાર વ્યૂહાત્મક દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. કારણ કે, બંને દેશો વચ્ચે આ વિસ્તાર અંગે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, જે અરબી સમુદ્રની દરિયાઈ સીમાના નિર્ધારણ સાથે જોડાયેલો છે.
અહીનું છીછરું પાણી, ભરતી-ઓટ અને વિશાળ કાદવ-કીચડ વાળો પ્રદેશ નૌકાઓની અવરજવર અને સરહદની દેખરેખ માટે મોટો પડકાર ઉભો કરે છે. માછીમારી દરમિયાન ઘણીવાર માછીમારો અજાણતા કે જાણી જોઈને સરહદ ઓળંગી જતા હોય છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બને છે. BSF પશ્ચિમી સરહદ પર સતત કડક નજર રાખી રહ્યું છે, જેથી અનધિકૃત ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકાય.
