રાજ્યમાં તમામ દુકાનો-સંસ્થાઓ હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે, ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક 2026 વિધાનસભામાં પસાર

અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, બસ સ્ટેશન, હોસ્પિટલ અને પેટ્રોલ પંપ જેવા મર્યાદિત વિસ્તારો પૂરતી જ આ સુવિધા ઉપલબ્ધ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 11 Sep 2026 04:45 PM (IST)Updated: Fri, 11 Sep 2026 04:45 PM (IST)
gujarat-shops-and-establishments-can-now-remain-open-24-hours-gujarat-ease-of-doing-business-bill-2026-passed-in-assembly

Gandhinagar News: રાજ્યમાં વ્યાપારિક વાતાવરણને પ્રોત્સાહન આપવા અને નાગરિક સેવાઓને વધુ સુગમ બનાવવાના હેતુથી ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ‘ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ,2026’ પસાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 5 મહત્વના કાયદાઓમાં 12 જેટલી જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાઓમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત દુકાન અને સંસ્થા ધારામાં ફેરફાર કરીને રાજ્યની તમામ દુકાનો તેમજ વ્યવસાયિક સંસ્થાઓને અઠવાડિયાના તમામ દિવસોમાં 24 કલાક કાર્યરત રાખવાની પરવાનગી આપવાનો છે.

દુકાનો-સંસ્થાઓ હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે

ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019ની કલમ 35(1)માં કરવામાં આવેલા સુધારા મુજબ, હવે રાજ્યની કોઈપણ દુકાન કે વ્યવસાયિક સંસ્થા અઠવાડિયાના કોઈપણ દિવસે 24 કલાક ખુલ્લી રાખી શકાશે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, બસ સ્ટેશન, હોસ્પિટલ અને પેટ્રોલ પંપ જેવા મર્યાદિત વિસ્તારો પૂરતી જ આ સુવિધા ઉપલબ્ધ હતી, જ્યારે નગરપાલિકા વિસ્તારો અને અન્ય માર્ગો પર રાત્રિના સમયે દુકાનો ખોલવા પર નિયંત્રણો હતા. આ નવા સુધારાથી સમગ્ર રાજ્યમાં સમાન ધોરણે 24 કલાક વ્યાપારિક પ્રવૃત્તિઓ ચલાવી શકાશે, જોકે માલિકોએ કામદારો માટે નિર્ધારિત કલમ 12, 14, 16 અને 18ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

આ ઉપરાંત, કલમ 6(1) અને (2) હેઠળ હવે નવી દુકાન કે સંસ્થા શરૂ કરનારે ધારો અમલમાં આવ્યાના અથવા ધંધો શરૂ કર્યાના 60 દિવસની અંદર નિયત ફી, સ્વ-એકરારનામું અને સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે. અગાઉના 1948ના કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓને તેમની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ નવો નિયમ લાગુ પડશે નહીં. કલમ 9 મુજબ, વ્યાપારી વિગતોમાં કોઈ ફેરફાર થાય તો તેની માહિતી નિયત સમયમર્યાદામાં સ્વ-એકરારનામા સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. કલમ 28 હેઠળ, નોંધણી વગર સંસ્થા ચલાવનારને 10000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે, જેમાં સુધારો કરીને પ્રમાણપત્ર આપવાની સત્તામાંથી "ઇન્સ્પેક્ટર દ્વારા" શબ્દો દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અન્ય ચાર કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013

અગ્નિ સલામતીના ધોરણોને જોખમ અને કામગીરી આધારિત (Risk-based and Performance-oriented) બનાવવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ અને બિલ્ડિંગના પ્રકાર મુજબ નિયમોને સુસંગત કરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડાશે.

ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ, 2019

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત કરાશે. સહકારી, વીજળી, જીઆઈડીસી અને સિંચાઈ જેવા વધારાના 8 રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરાયા છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967

અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં નોંધણી મેળવવી સરળ બનશે, જેથી તબીબી સેવાઓ અને પ્રોફેશનલ મોબિલિટી ઝડપી બનશે.

ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013

સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ જતો રહે તે માટે ટેકનોલોજી આધારિત ‘ઑટો-અપીલ’ અને ‘ઑટો-એસ્કેલેશન’ મિકેનિઝમ અમલી બનશે.