Ahmedabad Accident: અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પૂરપાટ અને રોંગસાઈડ આવતી એક્ટિવા અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 15 વર્ષના સગીર વિદ્યાર્થાનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સ્વિમિંગ ક્લાસ જતી વખતે સર્જાયો અકસ્માત
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, જમાલપુર વિસ્તારમાં લોન્ડ્રીનો વ્યવસાય કરતા ઉમર મેડીવાલાનો 15 વર્ષનો પુત્ર જેદ ( ઘો, 10નો વિદ્યાર્થી) 3 ઓગસ્ટના રોજ પોતાના મિત્ર ખાલિદ હુસેન શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોગ સાઈડમાં જઈ રહેલી એક્ટિવા આરોગ્ય ભવનના ગેટ પાસે સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
વિદ્યાર્થીએ સારવાર દરમિયાન દમ તોડ્યો
આ ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને સગીરો અને રિક્ષાચાલક મોઈન શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ધોરણ 10માં અભ્યાસ કરતા જેદનું કરૂણ મોત નીપજ્યું હતું.
એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે પોલીસ ફરિયાદ
ઘટનાની જાણ થતાં જ કે-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે બેદરકારીપૂર્વક અને રોંગ સાઈડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
