Ahmedabad Naroda GIDC Fire: અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાંથી આગની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ફૂડ પ્રોડક્ટ પેકેજીંગ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહી છે.
ચાલુ કામકાજ દરમિયાન લાગી આગ
આજે 29 ઓગસ્ટના રોજ અમદાવાદના નરોડા GIDC ફેઝ-3 માં આવેલા પ્લોટ નંબર 28 સ્થિત ફૂડ પ્રોડક્ટ પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી . આ આગ ફેક્ટરીમાં ચાલુ કામકાજ દરમિયાન લાગી હોવાથી અંદર કામ કરતા કર્મચારીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા, જેના લીધે આસપાસના સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો
આગ લાગવાની ગંભીર ઘટના અંગે અમદાવાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં ફાયર વિભાગની 7 ગાડીઓ મોકલવામાં આવી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતાં હાલમાં ફાયર બ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે.
ફાયર ફાઈટરો દ્વારા વિવિધ દિશાથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો ચાલુ છે. આ ભયાનક આગ અન્ય કોઈ નજીકના ભાગોમાં કે આજુબાજુમાં આવેલી અન્ય ફેક્ટરીઓમાં ન ફેલાય તે માટે ફાયર વિભાગની ટીમ ખાસ પ્રકારની તકેદારી રાખીને રેસ્ક્યૂ કામગીરી કરી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
સદનસીબે જાનહાની ટળી, તપાસ ચાલુ
આ ગમખ્વાર દુર્ઘટનામાં મોટી રાહતની વાત એ છે કે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે, આ ભયાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ સહિતના વિવિધ ટેક્નિકલ કારણોની દિશામાં તપાસ ચલાવવામાં આવશે.
આગના પ્રકોપના કારણે ફેક્ટરીની અંદર રહેલા કાચા માલ અને મશીનરીને ભારે આર્થિક નુકસાન થયું હોવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ફાયર વિભાગ દ્વારા હજુ પણ આગ પર સંપૂર્ણ વિજય મેળવવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ સાચા કારણો અને આર્થિક નુકસાનનો ચોક્કસ અંદાજ મેળવી શકાશે.
