Sabudana Khichdi Recipe: શ્રાવણ મહિનામાં ઘણા લોકો ભગવાન શિવની આરાધના સાથે વ્રત-ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન એવી વાનગીઓની જરૂર હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ ભરેલું રાખે અને શરીરને પૂરતી ઊર્જા પણ આપે. સાબુદાણાની ખીચડી એવી જ એક લોકપ્રિય ફરાળી વાનગી છે, જે મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને દરેકને પસંદ આવે છે. જો તમે પણ શ્રાવણ વ્રત દરમિયાન કંઈક ટેસ્ટી બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સરળ સાબુદાણાની ખીચડીની રેસીપી જરૂર ટ્રાય કરો.
સાબુદાણાની ખીચડીના માટેની સામગ્રી
આ પણ વાંચો
- 1 કપ સાબુદાણા
- 2 બાફેલા બટાકા (ટુકડા કરેલા)
- ½ કપ શેકેલી મગફળીનો ભૂકો
- 2 લીલા મરચાં (ઝીણા સમારેલા)
- 1 ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- સ્વાદ મુજબ સિંધવ મીઠું
- 2 ચમચી ઘી
- 1 ચમચી લીંબુનો રસ
- ઝીણી સમારેલી કોથમીર
સાબુદાણાની ખીચડી બનાવવાની રેસીપી
સૌપ્રથમ સાબુદાણાને 2થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી 4થી 5 કલાક અથવા આખી રાત માટે પલાળી રાખો. સાબુદાણા પલળી જાય પછી વધારાનું પાણી કાઢી લો અને તેને થોડો સમય માટે અલગ રાખો.
હવે પલાળેલા સાબુદાણામાં શેકેલી મગફળીનો ભૂકો, સિંધવ મીઠું અને ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો જેથી દરેક દાણામાં મસાલો સરખી રીતે ભળી જાય.
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરો. જીરું તડતડવા લાગે એટલે લીલા મરચાં ઉમેરી થોડા સેકન્ડ સુધી સાંતળો. હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરી 2થી 3 મિનિટ સુધી હળવા ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.
બટાકા તૈયાર થઈ જાય પછી તેમાં સાબુદાણાનું મિશ્રણ ઉમેરો અને ધીમા તાપે હળવા હાથે હલાવતા રહો. થોડા જ મિનિટોમાં સાબુદાણાના દાણા પારદર્શક થવા લાગશે અને ખીચડી દાણેદાર દેખાશે.
જ્યારે સાબુદાણા સંપૂર્ણપણે ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરો. છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.
ઉપવાસ દરમિયાન દહીં, ફરાળી કઢી અથવા છાસ સાથે પીરસવામાં આવે તો આ સાબુદાણાની ખીચડીનો સ્વાદ વધુ લાજવાબ લાગે છે.
કુકિંગ ટિપ્સ
- સાબુદાણાને વધુ પાણીમાં પલાળશો નહીં, નહીં તો ખીચડી ચીકણી બની જશે.
- દાણેદાર ખીચડી માટે સાબુદાણા પલળ્યા પછી તેને 15-20 મિનિટ માટે ખુલ્લા રાખો.
- મગફળીનો ભૂકો ઉમેરવાથી ખીચડીનો સ્વાદ અને ટેક્સચર બંને વધે છે.
- ખીચડીને હંમેશા ધીમા તાપે બનાવો જેથી દાણા તૂટે નહીં.
